રાજકોટ ખાતે હવે એર કાર્ગો ઑપરેશન્સ શરૂ કરાયા, વેપારીઓને મોટી રાહત

રાજકોટઃ સૌરાષ્ટ્રના મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ સેક્ટર માટે આનંદના સમાચાર છે. થોડા વિલંબ બાદ હવે રાજકોટ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર કાર્ગો ઑપરેશન્સની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધી શિપમેન્ટ્સને રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા અમદાવાદ મોકલાવાની ફરજ વેપારીઓને પડતી હતી, જે ખર્ચાળ અને સમય બગાડનારી હતી. આ સાથે રાજકોટ સોના, ચાંદી અને ઈમિટેશન જ્વેલરીનું મહત્વનું કેન્દ્ર હોવાથી વેપારીઓએ પોતાના માલની સલામતી માટે વધારાનો ખર્ચ કરવો પડતો હતો.
આ પણ વાંચો: રાજકોટના એરપોર્ટ પર કાર્ગો સેવાને મંજૂરી આપતા 10,000થી વધુ વેપારીઓને ફાયદો થશે
એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારથી જ એર ઈન્ડિયાએ કાર્ગો સર્વિસ શરૂ કરી દીધી છે અને આવતીકાલ એટલે કે શુક્રવારથી ઈન્ડિગો પણ કાર્ગો ઑપરેશન્સ શરૂ કરશે. આ નવી સેવાથી અહીંના વેપારીઓ ઘણા ખુશ છે. જ્વેલરી સાથે સંકળાયેલા એક વેપારીએ જણાવ્યું હતું કે રાજકોટ અને આસપાસમાં લગભગ 8,000થી 10,000 જથ્થાબંધ વેપારીઓ છે જે રોજ કિંમતી ઘણાના શિપમેન્ટ્સ દેશભરમાં મોકલે છે. રાજકોટથી ડાયેરેક્ટ એર કાર્ગો સેવા શરૂ થતાં બે દિવસનો સમય બચી જશે. ત અન્ય એક વેપારી અગ્રણીએ જણાવ્યું હતું કે આ સેવાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારને વેગ મળશે.