ધોરાજીમાં ધૂળ ખાતા રસ્તાઓ મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરોની ‘રોડ સમાધિ’; જુઓ વિડિયો

ધોરાજી: રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર લાંબા સમયથી ચાલી રહેલા ઓવરબ્રિજના કામમાં થઈ રહેલા વિલંબ અને અત્યંત બિસ્માર ડાયવર્ઝન માર્ગને મુદ્દે આજે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વારંવારની રજૂઆતો છતાં તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા રોષે ભરાયેલા ‘આપ’ના કાર્યકરોએ રસ્તા પર બેસી ‘રોડ સમાધિ’ લઈ ચક્કાજામ સર્જ્યો હતો.
જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજનું કામ અત્યંત ગોકળગાય ગતિએ ચાલી રહ્યું હોય કોન્ટ્રાક્ટર દ્વારા જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, તેની હાલત પણ અત્યંત ખરાબ છે. આ બિસ્માર માર્ગને કારણે નાના-મોટા અકસ્માતો નિત્યક્રમ બની ગયા છે અને વાહનચાલકો સહિત સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આપના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો.
આ પરિસ્થિતિ સામે અવાજ ઉઠાવવા આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ‘શરમ કરો, શરમ કરો, રોડ સારા કરો’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનને પગલે જૂનાગઢ તરફ જતો રસ્તો બંધ થઈ જતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. બનાવની જાણ થતાં જ ધોરાજી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના ત્રણ મુખ્ય કાર્યકરોની અટકાયત કરી હતી અને રસ્તા પરથી ધરણા દૂર કરી વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો.



