AAPની વિદ્યાર્થી પાંખ ASAP થઈ લોન્ચઃ વિદ્યાર્થીઓને રાજકારણમાં જોડાવા આહ્વાન

રાજકોટઃ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજકોટ ખાતે સીવાયએસએસને નવા નામ એએસએપી તરીકે લોન્ચ કરવા માટે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સમક્ષ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મને મારા કોલેજકાળના દિવસો યાદ આવી ગયા. રાજકોટની આખી ટીમ અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં તેમાં જોડાયા હતા. મને પૂરો વિશ્વાસ છે કે એએસએુપી ગુજરાતમાં તમામ કોલેજમાં, યુનિવર્સિટીઓમાં, હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનો અવાજ બનશે.

ASAP દ્વારા એક લાખ યુવાનોને ગુજરાતમાં જોડવામાં આવશે
આ ઉપરાંત તેમણે કહ્યું, અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ વાળા પોતાના સગા સંબંધીઓને ટિકિટ આપીને એમને આગળ વધારીને રાજનીતિ કરતા હતા જ્યારે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે એએસએપી દ્વારા અમે એક લાખ યુવાનોને ગુજરાતમાં જોડીશું. આ યુવાનો આગામી સમયમાં તાલુકા પંચાયત. જિલ્લા પંચાયત, પાલિકા, નગરપાલિકાની ચૂંટણીઓ પણ લડશે. આ સાથે જ તે પોતાના વિસ્તારનો અવાજ બનશે અને લોકોને જાગૃત કરશે અને આ સાથે જ પોતાના કોલેજમાં, યુનિવર્સિટીમાં, વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાય વિરુદ્ધ અવાજ પણ ઉઠાવશે.

રાજકારણીઓ પર નિશાન તાકતા શું બોલ્યા ઈસુદાન ગઢવી
ઇસુદાન ગઢવીએ દેશના રાજકારણીઓ પર નિશાન તાકતા કહ્યું હતું કે, વર્ષોથી બની બેઠેલા આપણા નેતાઓએ નક્કી કર્યું છે કે દેશને ગુલામ રાખવો છે. જનતાને ક્યારેય જાગૃત થવા દેવી નથી. નેતા- સાંસદો એવો માહોલ બનાવી દે છે કે તેમના દીકરાઓને ટિકિટો મળે છે જ્યારે બીજાના દીકરાઓ સાફ-સફાઈમાંથી જ ઊંચા નથી આવતા. મારા એક ફોનથી લોકોના કામ થઈ જાય છે એવું લોકો કહે છે પરંતુ હું આજે છું કાલે ન પણ હોવ ત્યારે તમારા હકની લડાઈ તમારે જાતે જ લડવી પડશે.

રાજનીતિમાં આવો, રાજનીતિ શીખો
આ ઉપરાંત તેમણે કહ્યું, યુપી બિહારમાં 40 થી 50 ટકા લોકો રાજનીતિ શું કહેવાય એનાથી વાકેફ છે, જ્યારે આપણને કોર્પોરેશનની ચૂંટણીમાં કેટલા વોર્ડ આવે તેની પણ જાણકારી નથી. તેથી જ અમે યુવાઓને કહીએ છીએ કે, રાજનીતિમાં આવો, રાજનીતિ શીખો અને રાજનીતિમાં જે ગંદકી છે એને સાફ કરો ત્યારે આવનારી પેઢી વિદેશમાં જવાનું નામ નહીં લે.
આ પણ વાંચો: ગોપાલ ઈટાલીયાએ ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યાં, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી રહ્યા હાજર