રાજકોટ

રાજકોટની હોસ્પિટલના ડૉક્ટરે જૂનાગઢની યુવતીનું ડાબા સાથે જમણા પગનું પણ ઑપરેશન કરી નાંખ્યું

રાજકોટઃ રાજકોટમાં યુનિકેર હૉસ્પિટલમાં પગનાં દુઃખાવાની સારવાર માટે ગયેલી 20 વર્ષીય યુવતીના ડાબા પગની સાથે જમણા પગનું પણ ઑપરેશન કરી દેવાયું હતું. આ ઘટના મુદ્દે યુવતીએ ડો.જીગીશ દોશી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટમાં યુનિકેર હૉસ્પિટલનાં ડૉ. જીગીશ દોશી સામે સપનાબેન પટોડિયા નામની યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સપનાબેને પોલીસને જણાવ્યું હતું કે, આશરે 10 વર્ષ પહેલા જૂનાગઢમાં ગણેશ વિસર્જન સમયે ટ્રક પલટી ખાઈ જતા મને ડાબા પગે સામાન્ય ઈજા પહોંચી હતી. પરંતુ તે વખતે સારવાર લીધી ન હતી. ડાબા પગે ગોઠણથી નીચેના ભાગે દુઃખાવો શરૂ થયો હોવાથી જૂનાગઢમાં ડૉક્ટરોને બતાવ્યું હતું અને રીપોર્ટ કરાવ્યા બાદ ડૉકટરે ડાબા પગે લોહીની ગાંઠ થઈ ગઈ છે તમારે સારવાર માટે વાસ્ક્યુલર સર્જનને બતાવવું પડશે તેમ કહ્યું હતું.

આ પણ વાંચો: PMJAY યોજનામાં ગેરરીતિ બદલ રાજકોટની 2 હોસ્પિટલ સામે કાર્યવાહીઃ 90 લાખનો દંડ ફટકાર્યો

ત્યારબાદ ઈન્ટરનેટ પર સર્ચ કર્યા બાદ મને રાજકોટની યુનિકેર હોસ્પિટલનું સરનામું મળ્યું હતું. મેં રાજકોટ રહેતા સંબંધીને ફોન કરી આયુષ્યમાન કાર્ડ દ્વારા તે હોસ્પિટલમાં સર્જરી કરી અપાય છે કે કેમ તેની તપાસ કરાવી હતી. સંબંધીએ તપાસ કરીને મને તમામ માહિતી આપી હતી.

ત્રીજી એપ્રિલ 2024ના રોજ આ યુવતી યુનિકેર હૉસ્પિટલ પહોંચી હતી. જ્યા ડો. જીગીશ દોશીએ તેને દવાથી શારૂ થતું ન હોય તો ઑપરેશન કરાવવું પડશે તેમ જણાવ્યું હતું. જ્યારે ઑપરેશન કરાવવું હોય ત્યારે મને જણાવો હું તમને તારીખ અને ટાઈમ આપી દઈશ. યુવતીને પગનો દુઃખાવો વધુ થતો હોવાથી 24-4-2024ના યુનિકેર હૉસ્પિટલમાં દાખલ થઈ હતી. જ્યા જરૂરી ટેસ્ટ અને રિપોર્ટ કરીને ડો. દોશીએ તા.25-4-2024નાં તેના ડાબા પગનું ઑપરેશન કર્યું હતું. બાદમાં તેમણે યુવતીના પિતાને જણાવ્યું હતું કે,તમારી દિકરીને જમણા પગમાં પણ નાની ગાંઠ હતી. તેનું પણ ઑપરેશન કરી દીધું છે.

આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર ક્યારેય નહીં સુધરે?

પીડિત યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘મને હોસ્પિટલમાંથી 26મી એપ્રિલનાં રજા અપાતા હું ઘરે ગઈ હતી. ઓપરેશન બાદ ડાબા પગમાં સારૂ થઈ ગયું હતું. પરંતુ જમણાં પગમાં દુઃખાવો થતો હોવાથી ફરી હૉસ્પિટલ પહોંચી હતી. જ્યા ડો.દોશીએ જણાવ્યું હતું કે, તમે આરામ કરો છ મહિનામાં સારૂ થઈ જશે, પરંતુ સારૂ નહીં થતા મે ફરી જૂનાગઢમાં તબીબને બતાવી એમ.આર.આઈ. કરાવતાં તબીબે ઓપરેશન વખતે જમણા પગમાં કોઈ ભુલ થવાથી ગોઠણનાં નીચેના ભાગે આવતી નસ થોડી દૂર જતી રહી છે. જેથી તમને દુઃખાવો થાય છે. બીજી તરફ તબીબી તપાસ કમિટીએ અભિપ્રાય આપ્યો હતો કે, દર્દીના જમણા પગમાં કરવામાં આવેલા ઓપરેશન અંગે સારવાર કરનાર તબીબની બેદરકારી નકારી શકાય નહીં. ઓપરેશનનું કારણ શંકાસ્પદ જણાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button