રાજકોટમાં એકનું રોડ એક્સિડેન્ટ તો એક બાળકનું પાણીની ટાંકીમાં ડૂબવાથી મોત | મુંબઈ સમાચાર
રાજકોટ

રાજકોટમાં એકનું રોડ એક્સિડેન્ટ તો એક બાળકનું પાણીની ટાંકીમાં ડૂબવાથી મોત

રાજકોટઃ રાજકોટમાં મોતની બે ઘટનામાં એક 27 વર્ષીય યુવક તો એક માત્ર ચાર વર્ષીય બાળકના મોત થયા છે. ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર ભરૂડી ગામના પાટિયા પાસે આજે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મેંદરડા-જુનાગઢ-રાજકોટ રૂટની GJ18ZT 1941 નંબરની એસ ટી બસે એક બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી એસ.ટી. બસનો ચાલક ફરાર થઈ ગયો છે.

મૃતકની ઓળખ ગોંડલના ભોજરાજપરા વિસ્તારના રહેવાસી 27 વર્ષીય ભાવિક લશકરીયા તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, ભાવિક પોતાની બાઈક (GJ03MS 8569) પર સાવચેતીપૂર્વક સાઈડમાં જઈ રહ્યો હતો, ત્યારે બેફિકરાઈથી આવતી બસે તેને હડફેટે લીધો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે બસનું ટાયર તેના માથા પરથી ફરી વળ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે.

ચાર વર્ષનું બાળક પાણીની ટાંકીમાં પડ્યું

રાજકોટના નાણાવટી ચોક વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં એક ચાર વર્ષના માસૂમ બાળકનું ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જવાથી કરુણ મોત નીપજ્યું હતું, એટલું જ નહીં આ અંગેની જાણ એકાદ કલાક બાદ પરિવારને થઈ હતી. જેને કારણે તરત જ બાળકને બહાર કાઢવામાં આવ્યું, પરંતુ તેનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.

મૃતક બાળકનું નામ પ્રતીક રાહુલભાઈ અઘારા હોવાનું બહાર આવ્યું છે. આ કમનસીબ ઘટના ગઈકાલે સવારે લગભગ 10:30 કલાકે બની હતી. આ તકે મૃતક પ્રતીકના પિતા રાહુલભાઈ અઘારાએ જણાવ્યું કે તેઓ અને તેમના પરિવારના સભ્યો ઘરની અંદર હતા. પ્રતીક ઘરમાં રમતો હતો અને અચાનક બહાર નીકળી ગયો હતો. પ્રતીકનો મોટો ભાઈ તેના મામાના ઘરે જવાનો હોવાથી તેને તૈયાર કરી રહ્યા હતા અને જેથી પ્રતીક ક્યાં રમે છે તે ધ્યાનમાં રહ્યું નહીં. જેથી શરૂઆતમાં પ્રતીક ગુમ થયો હોવાની જાણ થઈ નહોતી. જે બાદ થોડા સમય પછી પ્રતીક ન દેખાતા તેના પિતાએ તેની શોધખોળ શરૂ કરી હતી અને આસપાસના લોકોને પણ પૂછપરછ કરી હતી, પરંતુ પ્રતીક ક્યાંય મળ્યો ન હતો. આથી તેમણે આસપાસના મકાનોમાં પણ શોધખોળ કરી. જોકે કોઈનું ધ્યાન ઘરની નજીક આવેલી ખુલ્લી પાણીની ટાંકી પર પડ્યું હતું.

પ્રતીક પાણીની ટાંકીમાં બેભાન પડેલો જોવા મળતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. બાળકને હૉસેપિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારે તમામ માતા-પિતાને સતર્ક રહેવા જણાવ્યું છે.

આપણ વાંચો:  ગુજરાતને એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ ધમરોળશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button