રાજકોટ

ત્રણ બહેનનો એકનો એક ભાઈ રમતા રમતા ત્રીજા માળેથી પડ્યો અને…

જેતપુરઃ રાજકોટ જિલ્લામાં આવેલા જેતપુરમાં એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. અહીં આવેલા એક અપાર્ટમેન્ટમાં રહેતા પરિવારનો એકનો એક દીકરો ફ્લેટની બારી પાસે રમતા રમતા ત્રીજા માળેથી નીચે પટકાયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.

આ અંગે પોલીસે આપેલી માહિતી અનુસાર પરેશ અને જ્હાનવી દેવમુરારી પોતાના ચાર સંતાન સાથે શિવશક્તિ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા હતા. તેમની ત્રણ દીકરીમાં સૌથી મોટી મહેક 17 વર્ષની, વૃંદા 15 વર્ષની અને સેજલ 12 વર્ષની છે અને સૌથી નાનો દીકરો જયરાજ પાંચ વર્ષનો હતો. બપોરે માતા બાજુના રૂમમાં આરામ કરી રહ્યાં હતાં ત્યારે દીકરો જયરાજ બીજા રૂમમાં રમી રહ્યો હતો. રમતા રમતા જયરાજઅચાનક બારી પાસે પહોંચ્યો અને નીચે પડી ગયો હતો.

આ પણ વાંચો: માંગરોળમાં હૃદયદ્રાવક ઘટના: બાઇક પર જતા દાદા-પૌત્ર પર જર્જરિત મકાનનો કાટમાળ પડતાં બંનેના કરુણ મોત.

તેના નીચે પડવાનો અવાજ આવતા જ પડોશીઓ અને તેની માતા અને બહેનો બહાર આવ્યા હતા અને તેને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ અહીં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્રણ બહેનના એકના એક ભાઈનું આ રીતે મોત થતાં પરિવારે આક્રંદ કર્યું હતું. હૉસ્પિટલમાં પણ માતમ છવાઈ ગયો હતો, તેમ ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું. જોકે તેમ છતાં પોલીસ તમામ પાંસાઓને તપાસી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button