શાપરમાં રોટલી ખાવા આવતા શ્વાને જ 5 વર્ષની બાળકીને શ્વાને ફાડી ખાધી, 4 દિવસ પહેલાં જ દાદાના ઘરે આવી હતી! | મુંબઈ સમાચાર
રાજકોટ

શાપરમાં રોટલી ખાવા આવતા શ્વાને જ 5 વર્ષની બાળકીને શ્વાને ફાડી ખાધી, 4 દિવસ પહેલાં જ દાદાના ઘરે આવી હતી!

રાજકોટ: શહેર નજીક આવેલા શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં સોમવારે સવારે એક કમકમાટીભર્યો બનાવ બન્યો હતો, જેમાં રખડતા શ્વાનના હુમલાથી પાંચ વર્ષની બાળકીનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના વતની અને શ્રમિક પરિવારની આ બાળકી ચાર દિવસ પહેલાં જ તેના દાદા મુકેશભાઈના ઘરે રોકાવા આવી હતી.

પરિવારના જણાવ્યા અનુસાર, બાળકી સવારે ભૂમિ ગેટ નજીક ગોલ્ડન સ્ટાર કંપની પાસે અન્ય બહેનપણીઓ સાથે રમી રહી હતી. તે જ સમયે, રોટલી ખાવા આવતા એક શ્વાને તેના પર અચાનક હુમલો કર્યો હતો અને બાળકીને જમીન પર પછાડીને ગળાના ભાગે ગંભીર રીતે બચકું ભરી લીધું હતું. બાળકીની રાડારાડ સાંભળીને લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તે લોહીલુહાણ થઈ ગઈ હતી. તેને તાત્કાલિક શાપર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી બાળકીના પરિવારમાં ભારે શોક છવાઈ હતી.

વહીવટી તંત્રના દાવા પર સવાલ

આ વિસ્તારમાં શ્રમિક વસાહતો હોવાથી શ્વાનનો ત્રાસ વધુ છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે પાંચ મહિનામાં બાળક પર શ્વાન દ્વારા કરાયેલો આ બીજો ઘાતક હુમલો છે. અગાઉ મે મહિનામાં પણ આ જ વિસ્તારમાં 6 વર્ષના બાળકનું શ્વાનના હુમલામાં મોત થયું હતું. વહીવટી તંત્ર રખડતા શ્વાનોની સંખ્યા ઘટાડવા માટે નસબંધી અભિયાન ચલાવતું હોવાના દાવા કરે છે, ત્યારે આ સતત બીજા બનાવથી તંત્રની કામગીરી અને દાવાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે.

આપણ વાંચો:  મોબાઈલ ચોરી અટકાવવામાં ગુજરાત અગ્રેસર: 268 દિવસમાં 32,105 ફોન માલિકોને પરત કરાયા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button