
રાજકોટ: ગુજરાતમાં હાલ નકલી અધિકારીઓથી માંડીને અનેક વસ્તુ નકલી મળી આવ્યાના બનાવો આપણી સામે છે. ત્યારે હવે રાજકોટમાં ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વોની સામે સરકારે લાલ આંખ કરી છે. રાજકોટ એસઓજીની ટીમે શીતલ પાર્કમાં ધમધમતી પનીરની ફેક્ટરીને ઝડપીને પનીરમાં ભેળસેળ કરવાનાં કારસ્તાનને ખુલ્લુ પાડ્યું છે. SOGની ટીમે ગુજરાત ફૂડ નામની ફેકટરીમાં દરોડો પાડી 800 કિલો શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું છે.
આ પણ વાંચો: પનીર અસલી છે કે ભેળસેળવાળું નકલી આવી રીતે ઓળખો
એસ.ઓ.જી.ની ટીમને મળી હતી બાતમી
પ્રાપ્ત વિગતો અનુસાર એસ.ઓ.જી.ની ટીમને 150 ફૂટ રીંગરોડ પર શીતલ પાર્ક પાસે હિંમતનગર-6માં આવેલા ગુજરાત ફૂડ નામની ફેકટરીમાં શંકાસ્પદ પનીરના જથ્થાનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે એસઓજીએ ગુજરાત ફૂડ નામની આ ફેકટરીમાં દરોડો પાડયો હતો.
800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો
એસ.ઓ.જી.ની ટીમે દરોડા દરમ્યાન ફેકટરીમાંથી 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. SOGની ટીમે ફેક્ટરીમાંથી ગેસના બાટલા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમીક તપાસમાં આ ફેકટરી સાધુ વાસવાણી રોડ પર રહેતા હાદિર્ક ઘનશ્યામભાઈ કારીયા ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
પામતેલનો થતો હતો ઉપયોગ
નકલી પનીર બનાવવા માટે પામતેલનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે. ફેક્ટરીની ઠેર-ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ પનીર નકલી છે કે અખાદ્ય છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક વિગતો અનુસાર ફેક્ટરીના માલીકની પુછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. દરરોજ 500 કિલોથી વધુનું શંકાસ્પદ પનીર બનાવીને રેકડીથી લઈ રેસ્ટોરન્ટ સુધી સપ્લાય કરવામાં આવતું હતું.