રાજકોટ

ભૂલથી કચરામાં ગયેલા 60 હજાર રૂપિયા RMC ડ્રાઈવર અને હેલ્પરની બે કલાકની મહેનત બાદ ગણતરીની મિનિટોમાં પાછા મળ્યા

રાજકોટ: આજના સમયમાં ઈમાનદારીના દાખલા આપી શકાય તેવા બનાવો ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો હતો. જેમાં એક ભૂલથી ફ્રૂટના વેપારીના 60 હજાર રૂપિયાની થેલી કચરાની ગાડીમાં જતી રહી હતી પરંતુ અંતે મહાનગરપાલિકાના સ્ટાફની મદદથી આ પૈસા પાછા મેળવી લેવામાં મદદ મળી હતી.

મળતી વિગતો અનુસાર, રાજકોટના બજરંગવાડી વિસ્તારના રાજીવનગરમાં રહેતા અલ્તાફ કાદરી નામના ફ્રૂટના વેપારીએ કોઈને ચૂકવવા માટે આ રકમ એકઠી કરી હતી અને પ્લાસ્ટિકની નાની થેલીમાં નોટોના બંડલ રાખી ટેબલ પર થેલી રાખીને તેઓ નમાઝ પઢવા માટે બહાર ગયા હતા. તેમની ગેરહાજરીમાં તેમના માસીને આ થેલીમાં પૈસા હોવાની જાણ નહોતી, તેથી તેમણે ભૂલથી તેને કચરાપેટીમાં ફેંકી દીધી હતી. બાદમાં આ કચરો વૉર્ડમાંથી કચરો એકઠો કરતી RMCની ગાડીમાં ઠાલવવામાં આવ્યો હતો.

જ્યારે અલ્તાફભાઈ ઘરે પરત ફર્યા અને થેલી ન મળી, ત્યારે પૂછપરછમાં તેમને ખબર પડી કે અંતે શું સમગ ઘટના બની છે. તેમણે તરત જ RMCની વૉર્ડ ઓફિસનો સંપર્ક કરીને આખી વાત સમજાવી હતી. RMCના પર્યાવરણ ઈજનેર પ્રજ્ઞેશ સોલંકીના જણાવ્યા અનુસાર, સુપરવાઈઝરે તુરંત જ અલ્તાફભાઈના ઘરેથી કચરો એકઠો કરનાર વાહનને ઓળખી કાઢ્યું હતું અને ડ્રાઈવરને રૈયા ટ્રાન્સફર સ્ટેશન પર કચરો કોમ્પેક્ટ ન કરવાનો આદેશ આપ્યો હતો.

કચરાના ઢગલામાંથી ૨ કલાકની મહેનતે રકમ મળી

કચરો રૈયા ટ્રાન્સફર સ્ટેશન પર અલગથી ઉતારવામાં આવ્યો હતો અને ત્યાં અલ્તાફભાઈ પહોંચી ગયા હતા. વેન ડ્રાઈવર અને હેલ્પરની મદદથી કાદરીએ લગભગ બે કલાક સુધી કચરો ચાળીને આખરે રોકડ રકમનું બંડલ શોધી કાઢ્યું હતું. આ પૈસા મળી ગયા બાદ અલ્તાફભાઈએ રાહતનો શ્વાસ લીધો હતો અને અલ્લાહનો આભાર માનતા કહ્યું હતું કે હું એક નાનો માણસ છું, આટલી મોટી રકમ ગુમાવવી મારા માટે નુકસાનકારક સાબિત થઈ હોત. તેમણે RMCના સ્ટાફની પ્રમાણિકતા અને ઝડપી કાર્યવાહી માટે આભાર માન્યો હતો. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ બાદમાં વસુનિયા અને વાનિયાની ઈમાનદારી અને ત્વરિત કાર્યવાહી બદલ સન્માન કરી તેમને બિરદાવ્યા હતા.

આપણ વાંચો:  ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક ચૂંટણીઓ પર SIRની અસરનો અભ્યાસ કરશે

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button