રાજકોટમાં ભાજપ નેતા અને મહિલા અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલીનો ઓડિયો વાયરલ થયો

રાજકોટઃ ટેકાના ભાવે મગફળીના રજિસ્ટ્રેશન કરાવેલા અનેક ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આ મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેતીવાડી અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, મેસેજ માત્ર ચકાસણીનો એક ભાગ છે અને ખેડૂતોએ તેનાથી ગભરાવાની જરૂર નથી. આ મામલે લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ વિરડા અને રાજકોટના જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિબેન પટેલ વચ્ચે ફોન પર થયેલી ઉગ્ર બોલાચાલીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.
ભાજપ નેતાએ જિલ્લા ખેતીવાડી અધિકારીને ધમકીના સ્વરમાં કહ્યું કે, ખેડૂતો પરેશાન થાય તે યોગ્ય નથી. મારા તાલુકાના એક પણ ખેડૂતની અરજી બાકી ન રહેવી જોઈએ. બાકી રહેશે તો હું તમને પકડીશ. જે બાદ બંને વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું છે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે, જેથી રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકશે.
અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું હતું કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વેરીફીકેશન પ્રક્રિયામાં નોંધણી કરાવેલા ૧૦ ટકાથી પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી. આવા સર્વે નંબર ધરાવતા ખેડૂતોને એસએમએસના માધ્યમથી જાણ કરવામાં આવી છે, પરંતુ આ મેસેજથી ખેડૂતોએ ચિંતિત થવાની જરૂર નથી.
નોંધણી દરમિયાન ખેડૂતોએ દર્શાવેલા સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યુ હોય, તેમ છતાં પણ આવો એસએમએસ મળ્યો હોય, તેવા ખેડૂત મિત્રોએ કોઇપણ ચિંતા કર્યા વગર વહેલામાં વહેલી તકે ગ્રામસેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરીફીકેશન કરાવી લેવાનું રહેશે.