સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન: રાજકોટ, ગોંડલ સહિત જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ

રાજકોટ: હાલ રાજ્યમાં ગરમી અને ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે અને આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પંચ દિવસ સુધી રાજ્યના અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે ઉકળાટ બાદ સાંજે રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આ કાળઝાળ ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને આ વરસાદથી આખરે મોટી રાહત મળી છે.
રાજકોટ શહેરના અનેક ભાગોમાં વરસાદ
રાજકોટ શહેરના નિર્મલા રોડ, કાલાવડ રોડ, નાનામૌવા, રેસકોર્સ રિંગરોડ, યુનિવર્સિટી રોડ, ૧૫૦ ફૂટ રિંગરોડ, મવડી, ગોંડલ રોડ, કુવાડવા રોડ, પારેવડી ચોક અને કિસાનપરા સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને સાવચેતી રાખવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો: દાહોદમાં વીજળી પડતા પિતા-પુત્રનું મોત, અમરેલીના વાતાવરણમાં પણ આવ્યો પલટો
ગોંડલ-જેતપુર સહિતના પંથકમાં વરસાદ
રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ મોસમનો પહેલો ભારે પવન સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત વિરપુર, જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત, જસદણ શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારો જેવા કે આટકોટ, વીરનગર, જસાપર, પાંચવડા અને સાણથલીમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી રહેલા વરસાદને કારણે જસદણ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી: આ જિલ્લામાં યલો-ઓરેન્જ એલર્ટ જાહેર
ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અને ત્યારબાદ પણ યથાવત રહેલા વરસાદી મહોલથી સૌરાષ્ટ્રના ખેડૂતોએ વાવણી કરી દીધી છે અને ઉપરથી પડેલા આ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. આગામી દિવસોમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને હવામાન વિભાગે યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન પણ રાજ્યનાં અનેક ભાગોમાં હાલ વરસાદ પડી રહ્યો છે.