પોરબંદરમાં અનોખો વિરોધ: ફાટક બંધ થતાં સ્થાનિકોએ રેલવે ટ્રેક પર બેસી ‘ધૂન’ બોલાવી

પોરબંદરઃ ઉદ્યોગનગર રેલવે ફાટક બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો ત્રીજી વખત રસ્તા પર ઉતરી આવ્યા હતો. ફાટક બંધ થવાને કારણે મીરા, પારસનગર અને ઉદ્યોગનગરના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે તેમણે રેલવે ટ્રેક પર બેસીને ધૂન બોલાવી હતી. વારંવારની રજૂઆત બાદ પણ ફાટક ન ખોલાતા આજે 500થી વધુ મહિલાઓ સહિતના લોકો ઉદ્યોગનગર ફાટક ખાતે એકત્ર થયા હતા.
‘ફાટક ખોલો’ની ધૂન બોલાવી
મહિલાઓએ રેલવે ટ્રેક પર બેસીને ‘ફાટક ખોલો’ની ધૂન બોલાવી હતી. કેટલાક લોકો રેલવે ટ્રેક પર દોડી જતા રેલવે પોલીસ અને ઉદ્યોગનગર પોલીસે તેમને સમજાવીને ટ્રેક પરથી દૂર કર્યા હતા. સ્થાનિક મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, “અમે ખોબે ખોબે મત આપ્યા, તેનો અમને આ બદલો આપવામાં આવ્યો છે.
આપણ વાંચો: આદિપુરના ફાટક પાસે માલગાડીના ચાર ડબ્બા ટ્રેક પરથી ભેદી સંજોગોમાં ખડી પડ્યા
40 હજારથી વધુ લોકો પ્રભાવિત
આ મુદ્દે સ્થાનિક રાજકીય આગેવાનો, રેલવે વિભાગ અને કલેક્ટરને રજૂઆતો કરવા છતાં ફાટક ખોલવામાં આવ્યું નહોતું. જેના પગલે મંગળવારે ફરી સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઉદ્યોગનગર ફાટક બંધ થવાથી 40 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. ફાટક બંધ થયા બાદ જે વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો છે, તે પણ બિસ્માર હાલતમાં છે. આ મુદ્દે આગામી આઠ દિવસમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.