કિર્તી મંદિર ખાતે QR કોડનું લોકાર્પણ, ગાંધીજીના જીવનની મળશે A to Z માહિતી

પોરબંદરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે તેમના જન્મસ્થળ પોરબંદર કિર્તીમંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રાર્થનાસભામાં સહભાગી થયાં હતાં. તેમણે બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરતા કહ્યું કે,મહાત્મા ગાંધીજીએ સૂતરના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારત માટેની પીઠિકા ઘડીને આઝાદી અપાવી છે.
સ્વદેશીની સાથે સાથે જ મોબાઈલ એ માહિતી અને સેવા મેળવવાનું અગત્યનું માધ્યમ છે, એવી આધુનિકીકરણની વાત રજૂ કરતા મુખ્ય પ્રધાને કિર્તીમંદિર ખાતે પૂજ્ય બાપુના જન્મસ્થળની માહિતી આવરી લેતા ક્યૂઆર કોડના માધ્યમથી પ્રવાસીઓને સરળતાથી સ્થાપત્ય અને બાપુના જીવનકવન વિશે આંગળીઓના ટેરવે માહિતી મળશે એ સુવિધાની વાત રજૂ કરી હતી.

મુખ્ય પ્રધાને અસત્ય પર સત્યના પર્વ વિજ્યાદશમીની શુભકામનાઓ પાઠવી હતી અને પૂજ્ય બાપુની દિવ્ય ચેતનાને વંદન કરતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીને યાદ કરતાં જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત, અહિંસાના ઉપાસક અને વિશ્વમાનવનું ચિત્ર ઉપસી આવે છે. પોરબંદરની આ માટીમાંથી જન્મેલા મોહનદાસ ગાંધીજી આજે સાબરમતિના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે.
અહિંસાનું સમજાવ્યું મહત્ત્વ
મુખ્ય પ્રધાને અહિંસાનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે, અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. નમ્રતા વગર મુક્તિ કોઇ કાળે શક્ય નથી. પૂજ્ય બાપુએ ગરીબ અને ગામડાના નાગરિકોના ઉત્થાન માટેની અહાલેક જગાવી હતી.
એ યાત્રાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરાજ્યમાં પલટાવી ગરીબ, વંચિત, પીડિત શોષિતના કલ્યાણના ધ્યેય સાથે સુશાસન સાથે આગળ ધપાવી છે.

બાપુએ જોયેલું સપનું આજે સાકાર થઈ રહ્યું છે
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુએ આપેલા સ્વચ્છતાના વિચારને સાર્થક કરવા વિશ્વનેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે જ હાથમાં ઝાડૂ લઈને સફાઈને જનઆંદોલન બનાવ્યું છે અને દેશ અને દુનિયામાં એક દાખલો બેસાડ્યો છે. સ્વચ્છ ભારત મિશનથી નાના બાળકોથી લઈને વડીલો સૌ સ્વછાગ્રહી બન્યા છે. ગરીબ, વંચિત અને છેવાડાના માનવી સુધી સુખ-સુવિધા પહોંચાડવાની નેમ અને વિકાસ સાથે પૂજ્ય બાપુએ જોયેલું સપનું આજે સાકાર થઈ રહ્યું છે.
ખાદીના ઉત્પાદન અને વેચાણમાં વધારો
વડા પ્રધાને વોકલ ફોર લોકલનો સંકલ્પ કર્યો છે અને સ્વદેશી ચળવળ થકી ખાદીના ઉત્પાદન અને વેચાણ થકી ચારથી પાંચ ગણો વધારો થયો છે મોટા પાયે રોજગારીનું પણ નિર્માણ થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું. આપણાં ઉદ્યોગો વોકલ ફોર લોકલ અને સ્વદેશી અપનાવીને ‘આત્મનિર્ભર ભારત, સમૃદ્ધ ભારત’માં સહયોગી બને તે માટે તાજેતરમાં વડા પ્રધાને નેક્સ્ટ જનરેશન જી.એસ.ટી રિફોર્મ્સની ભેટ આપી છે. આ ભેટ જનજનના બચત ઉત્સવની સાથે દેશના વિકાસ માટે સ્વદેશીને વેગ આપશે. જે પ્રકારે સ્વરાજ્ય માટે સ્વદેશીનો આગ્રહ તે પ્રકારે ‘સમૃદ્ધ ભારત, આત્મનિર્ભર ભારત’ને સાર્થક બનાવવા સ્વદેશીને અપનાવવા આજના દિવસે સંકલ્પ કરી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા મુખ્ય પ્રધાન આહ્વાન કર્યું હતું.

રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે કર્તવ્યરત રહેવા અનુરોધ કર્યો
મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે, દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવવા પૂજ્ય બાપુના નેતૃત્વમાં ૧૯૪૭માં આપણને આઝાદી મળી હવે ૨૦૪૭માં આઝાદીની શતાબ્દિ સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની અમૂલ્ય તક આપણને મળી છે. ૨૦૪૭ સુધી આ અમૃતકાળની યાત્રાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આપણે આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના વિચાર સાથે આગળ વધારીએ.
મુખ્ય પ્રધાન ઉપસ્થિત સૌને હ્રદયમાં પ્રેમ, જીવનમાં અહિંસા, સમાજમાં સમરસતા અને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે કર્તવ્યરત રહેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા પ્રભારી પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે પોરબંદરની ભૂમિ પ્રખ્યાત છે – એક ચક્રધારી મોહન એટલે ભગવાન શ્રીકૃષ્ણના સખા સુદામાથી અને અને બીજા મોહન એટલે ચરખાધારી રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુની ભૂમિથી. ગાંધીજીની આ ભૂમિ આપણને હકારાત્મક સંવેદનાઓનો અનુભવ કરાવે છે. પૂજ્ય બાપુ સ્વચ્છતા અને સ્વદેશીના આગ્રહી હતા. તેમની આ સ્વદેશી અને સ્વચ્છતા પહેલને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ વધારી છે, જેનાથી દેશ આત્મનિર્ભર અને સમૃદ્ધ બનશે. વધુમાં, તેમણે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સૂત્ર સાથે આગળ વધવા અપીલ કરી હતી.

કિર્તીમંદિર સ્મારકની ક્યૂઆર કોડથી મળશે માહિતી
પ્રાર્થનાસભાના સમાપન બાદ મુખ્ય પ્રધાને પરિસરના ‘સંગ્રહસ્થાન’ ખાદી ગ્રામોદ્યોગમાંથી ખાદીની ખરીદી કરી હતી અને કિર્તીમંદિર સંચાલન સમિતિ દ્વારા તૈયાર કરાયેલા ‘પરિવારના મોભીનો વૈભવી ઈતિહાસ’ ક્યૂઆર કોડનું અનાવરણ કર્યું હતું. આ ક્યૂઆર કોડની મદદથી કિર્તીમંદિરની મુલાકાતે આવતા પ્રવાસીઓને ગાંધીજીના જન્મસ્થળ તથા કિર્તીમંદિર સ્મારકના અગત્યના ભાગોની ખાસિયતો વિશે હિંદી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ઓડિયો તેમજ લખાણના સ્વરૂપે માહિતી ઉપલબ્ધ થશે. પૂજ્ય બાપુના તૈલચિત્રને પુષ્પાંજલિ આપવાની સાથે જ મુખ્ય પ્રધાને કસ્તૂરબા ધામની પણ પ્રથમ વખત મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.