અપહરણ બાદ મોઝામ્બિકમાં પોરબંદરનાં યુવાનની હત્યા; મૃતદેહને વતન લવાયો

પોરબંદર: વિદેશની ધરતી પર ગુજરાતીઓની હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મૂળ પોરબંદરનાં અને ઈસ્ટ આફ્રિકાના મોઝામ્બિક દેશમાં માપુટોમાં રહેતા વિનયભાઈ સોનેજીની અપહરણ કર્યા બાદ હત્યા કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે વિનયભાઈનાં મૃતદેહને વતન પરત લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: આ કારણે આરોપીએ અમેરિકામાં ગુજરાત મૂળના પિતા-પુત્રીની હત્યા કરી…
16 વર્ષથી મોઝામ્બિકનાં ચલાવે છે જનરલ સ્ટોર
પ્રાપ્ત વિગતો અનુસાર વિનયભાઈ મૂળ પોરબંદરના રહેવાસી છે અને છેલ્લા 16 વર્ષથી ઈસ્ટ આફ્રિકાના મોઝામ્બિકમાં જનરલ સ્ટોર ચલાવતા હતા. આ મહિને 3 માર્ચની રાત્રે તેમના પર અંધાધુંધ ફાયરીંગ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. દુકાન વધાવીને તેઓ ઘરે જવા માટે કાર લેવા માટે ગયા ત્યારે લૂંટારુઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને તેનું અપહરણ કરી લીધું હતું.
ટોળકીએ કરી નાખી હત્યા
અપહરણ બાદ લૂંટારુઓએ વિનયભાઈનાં સાથીદારોને ફોન કરીને રૂપિયાની માંગણી કરી હતી. જો કે પૈસા ચૂકવવામાં આવ્યા હતા કે કેમ તે અંગે કોઇ માહિતી મળી નથી. આ મામલે પરિવારજનોએ ગૃહ પ્રધાનથી માંડીને પોરબંદરના સ્થાનિક નેતાઓને પણ જાણ કરી હતી. પરંતુ માંગણી બાદ ટોળકીએ તેમની હત્યા કરી દીધી હતી અને મૃતદેહને એક કબરમાં દફનાવી દીધો હતો.
આવતીકાલે અંતિમવિધિ
જો કે વિનયભાઈનાં સંબંધીઓએ મૃતદેહની ઓળખ કરી લીધી હતી. આ ઘટનામાં ત્રણ લૂંટારોની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે. હવે યુવાનનો મૃતદેહને વતન પોરબંદર લાવવામાં આવ્યો છે અને આવતીકાલે અંતિમવિધિ કરવામાં આવશે.