પોરબંદર લૂંટનો ભેદ ઉકેલાયો: બનેવી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 6 આરોપીઓ ઝડપાયા! | મુંબઈ સમાચાર

પોરબંદર લૂંટનો ભેદ ઉકેલાયો: બનેવી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 6 આરોપીઓ ઝડપાયા!

પોરબંદરઃ રાણાવાવના રાણા કંડોરણા મુંજાપરા ધાર વિસ્તારમાં 6 જણ કારમાં આવ્યા હતા અને એક ઘરમાં ઘૂસીને બાળકના ગળે છરી રાખી, વૃદ્ધા અને તેની પુત્રવધૂને પટ્ટીથી બાંધી દીધા હતા. જે બાદ કબાટની ચાવી મેળવી કબાટમાં રહેલા 25 તોલા દાગીના અને રૂ. 1 લાખની લૂંટ ચલાવી વૃદ્ધાને છરી મારી હતી અને વૃદ્ધાના પુત્રવધૂને મુંઢ માર મારી નાસી છૂટ્યા હતા.

ઘટના બન્યા બાદ પોલીસે આરોપીઓને પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી. જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. ઘટનાને અંજામ આપનારા તમામ છ લૂટારુઓને પકડી લેવામાં આવ્યા હતા.

આપણ વાંચો: લોસ એન્જલસમાં હિંસા બેકાબુ: પ્રદર્શનકારીઓએ Apple Storeમાં લૂંટ ચલાવી, ગાડીઓને આગ ચાંપી…

લૂંટના આ બનાવમાં એવી ચોકાવનારી વિગત બહાર આવી હતી આ લૂંટ તેના બનેવીએ જ કરાવી હતી. પોલીસે રાજકોટ રહેતા બનેવી સહિત છ શખ્સોની ધરપકડ, કરી રૂ19.70 લાખનો મુદ્દામાલ કબજે લઈને રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે અલગ -અલગ વિસ્તારોમાં ટૂકડીઓને એલર્ટ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં બલેનો કારનો આરોપીઓ દ્વારા ઉપયોગ થયો હોવાનું જણાયું હતું.

આપણ વાંચો: ‘મોમો’નો સ્ટૉલ શરૂ કરવા રેકોર્ડ પરના આરોપીએ વૃદ્ધાની હત્યા કરી લૂંટ ચલાવી

તપાસ દરમિયાન ગુનામાં વપરાયેલી કાર લઇને આરોપીઓ રાણાવાવ ટી-પોઇન્ટથી ત્રણ પાટીયાના રસ્તેથી નીકળવાના છે, તેવી બાતમી મળતા વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કારને આંતરીને તલાશી લેતા એક બેગમાંથી સોનાના અલગ-અલગ દાગીના તથા રોકડ રકમ મળી હતી. જેથી કારમાં બેઠેલા લોકોની આગવીઢબે પૂછતાછ કરતા લૂંટની કબૂલાત કરી હતી.

મુખ્ય આરોપી રવિરાજસિંહ જાડેજાએ તેના બનેવી દિલીપ માલદેભાઇ સાંજવા (રહે. રાજકોટ) તથા પ્રફુલભાઇ પ્રભુદાસ ચરાડવા (રહે. રાજકોટ)એ ત્યાં ઘરમાં 70થી 80 તોલા સોનું તથા 10 થી 12 લાખ રૂપિયા રોકડા હોવાનું કહીને લોકેશન તથા ઘરના સભ્યો અંગેની વિગતો આપવામાં આવી હતી.

લૂંટ કર્યા બાદ જે કાંઇ રૂપિયા કે સોનું મળે તેમાં 50 ટકા ભાગ બનેવી દિલીપ તથા સોની પ્રફુલભાઇને આપવાનું નક્કી થયું હતું. જેથી લૂંટ કરવા માટે રવિરાજસિંહે અમદાવાદ ખાતે રહેતા જતીન અશોકકુમાર પાલ, સિધ્ધેશ્વર દેવજીભાઇ પરમાર, સાહીલ સર્વેશભાઇ યાદવ, નીરજ શિવલાલ ચૌહાણ, વિશાલ મોતીલાલ ચૌધરીને બોલાવીને ગુનાને અંજામ આપ્યો હતો

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button