પોરબંદરમાં ખેડૂત નેતાની ધરપકડથી રોષે ભરાયેલા સેંકડો ખેડૂતોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો

પોરબંદર: બરડા પંથકમાં વીજળીની સમસ્યા મુદ્દે ખેડૂત નેતા હિતેશ મોઢવાડીયાની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. ખેડૂતોએ મોટી સંખ્યામાં ખેડૂતો બગવદર પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.
બગવદર પોલીસ સ્ટેશનમાં ખેડૂત આગેવાન હિતેશ મોઢવાડીયા વિરુદ્ધ પોલીસની ફરજમાં રૂકાવટ કરવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. બરડા પંથકના ખેડૂતો ઘણાં વર્ષોથી વીજળીની અનિયમિતતા અને વીજ વાયરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેના કારણે ખેતીમાં ખૂબ મુશ્કેલી પડી હતી. આ અંગે ખેડૂતોએ વીજ કંપની સમક્ષ અનેકવાર રજૂઆતો કરી, પણ કોઈ ઉકેલ આવ્યો નહોતો. જેને લઈ મોઢવાડા ગામના ખેડૂત આગેવાન હિતેશ મોઢવાડીયાએ પીજીવીસીએલ સમક્ષ રજૂઆત કરી હતી.
આ પણ વાંચો: પોરબંદરમાં અનોખો વિરોધ: ફાટક બંધ થતાં સ્થાનિકોએ રેલવે ટ્રેક પર બેસી ‘ધૂન’ બોલાવી
ખેડૂતોએ કહ્યું કે, હિતેશ મોઢવાડીયા સામેની ફરજમાં રૂકાવટની ફરિયાદ તદ્દન ખોટી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ ફરિયાદ રાજકીય દ્વેષને કારણે કરવામાં આવી હતી. ખેડૂતોએ તાત્કાલિક આ ફરિયાદ પાછી ખેંચવાની માગણી કરી હતી. ખેડૂત આગેવાનની ધરપકડના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોલીસ સ્ટેશન નજીક એકઠા થયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સ્ટેશન પાસે સુરક્ષાનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વીજળીની રજૂઆત કરવા બદલ ખેડૂત આગેવાન સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ થતાં ખેડૂતોએ તેને રાજકીય ગણીને વિરોધ શરૂ કર્યો હતો.