પોરબંદરમાં મુખ્ય પ્રધાનના હસ્તે ધ્વજવંદન: હેલિકોપ્ટરથી કરવામાં આવી પુષ્પવર્ષા | મુંબઈ સમાચાર

પોરબંદરમાં મુખ્ય પ્રધાનના હસ્તે ધ્વજવંદન: હેલિકોપ્ટરથી કરવામાં આવી પુષ્પવર્ષા

પોરબંદરઃ પોરબંદરમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ હતી. રાજ્ય કક્ષાનો સ્વતંત્રતા દિવસનો મુખ્ય કાર્યક્રમ માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેમણે ‘હર ઘર તિરંગા’ની સાથે ‘હર ઘર સ્વચ્છતા અભિયાન’માં જોડાવા સૌને અપીલ કરી હતી.

Flag hoisting ceremony by Chief Minister in Porbandar: Flower shower from helicopter

બાઇક સ્ટંટ અને તલવાર રાસે કર્યા મંત્રમુગ્ધ

આ કાર્યક્રમની થીમ “બાપુના પગલે તિરંગા ભારત” રાખવામાં આવી હતી. જેમાં 150 કલાકારોએ પોતાની કળાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. બાઇક સ્ટંટ અને તલવાર રાસના પ્રદર્શને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

મુખ્ય પ્રધાને શું કહ્યું

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ સમયગાળામાં ચાર મોટી ઉજવણીઓ થઈ રહી છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, બંધારણના 75 વર્ષ અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દીનો સમાવેશ થાય છે. આ બધી ઉજવણીઓ આપણને દેશ માટે કામ કરવાની અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે.

તેમણે ઉમેર્યું કે ગુજરાતના યુવાનો હવે નોકરી શોધવાને બદલે નોકરી આપનારા બની રહ્યા છે. મહિલાઓના સશક્તીકરણ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ‘નમો લક્ષ્મી યોજના’નો લાભ અત્યાર સુધીમાં 10 લાખ દીકરીઓને મળ્યો છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ અને માછીમારોની પ્રગતિ માટે ₹350 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ બધા પગલાં ગુજરાતના વિકાસને વેગ આપશે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં સવારે 9 વાગ્યે એકસાથે તમામ જિલ્લાઓમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા, જેણે આઝાદીના આ પર્વની ભવ્યતા વધારી હતી.

આપણ વાંચો:  ડાકોરમાં જન્માષ્ટમી પર્વની તૈયારીઓ આખરી તબક્કામાં, જાણો દર્શનનો સમય

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button