પોરબંદરમાં ચકચાર: રાણાવાવમાં બાળકના ગળે છરી રાખી 25 તોલા સોનું, એક લાખની લૂંટ | મુંબઈ સમાચાર

પોરબંદરમાં ચકચાર: રાણાવાવમાં બાળકના ગળે છરી રાખી 25 તોલા સોનું, એક લાખની લૂંટ

પોરબંદર: રાણાવાવમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. રાણાવાવના રાણા કંડોરણા મુંજાપરા ધાર વિસ્તારમાં 6 જણ કારમાં આવ્યા હતા અને એક ઘરમાં ઘૂસીને બાળકના ગળે છરી રાખી, વૃદ્ધા અને તેની પુત્રવધૂને પટ્ટીથી બાંધી દીધા હતા. જે બાદ કબાટની ચાવી મેળવી કબાટમાં રહેલા 25 તોલા દાગીના અને રૂ. 1 લાખની લૂંટ ચલાવી વૃદ્ધાને છરી મારી હતી અને વૃદ્ધાના પુત્રવધૂને મુંઢ માર મારી નાસી છૂટ્યા હતા.

શું છે મામલો

મળતી વિગત પ્રમાણે રાણા કંડોરણા ગામે મુંજાપરા ધારમાં રહેતા કરશનભાઈ દેવાનંદ નંદાણિયા બપોરના સમયે ખેતરમાં કામ કરવા ગયા હતા. ઘરે કરશનભાઈના માતા પમીબેન અને તેની પુત્રવધુ તથા નાનો છોકરો ઘરે હતો. આ સમયે એક કારમાં 6 જણ આવ્યા હતા.

આ શખ્સોએ ઘરમાં ઘૂસીને છોકરાના ગળે છરી રાખી દીધી હતી. તેમજ અન્ય શખ્સોએ વૃદ્ધા પમીબેન અને તેના પુત્રવધૂને પટ્ટીથી બાંધી દીધા હતા અને કબાટની ચાવી મેળવી કબાટ ખોલી કબાટમાં રહેલા સોનાના દાગીના અંદાજે 25 તોલા સોનાના દાગીના તેમ જ કબાટમાં રહેલ રૂ. 1 લાખ રોકડની લૂંટ ચલાવી હતી.

આપણ વાંચો:  ગુજરાતમાં આગામી બે મહિનામાં આમ આદમી પાર્ટી 2,000 સભાનું આયોજન કરશે

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

વૃદ્ધા પમીબેનને હાથના ભાગે છરી મારી હતી તેમ જ વૃદ્ધાના પુત્રવધૂને પણ મુંઢ માર મારી શખસો કારમાં નાસી ગયા હતા. આ અંગે કરશનભાઈને જાણ કરતા તેઓ તાબડતોબ ઘરે આવ્યા હતા અને તાકીદે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button