પરબ વાવડી ખાતે અષાઢી બીજનો ભવ્ય લોકમેળો યોજાયો: કરશનદાસ બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણ...
સૌરાષ્ટ્ર

પરબ વાવડી ખાતે અષાઢી બીજનો ભવ્ય લોકમેળો યોજાયો: કરશનદાસ બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણ…

અમદાવાદ: સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ એવા પરબ વાવડી ખાતે અષાઢી બીજનો પરંપરાગત લોક મેળો યોજાયો હતો. શુક્રવારે સવારે જગ્યાના મહંત કરશનદાસ બાપુના હસ્તે મંદિર પરિસરમાં નિશાન પૂજન અને મંદિર શિખર પર ધ્વજારોહણ કરીને મેળાની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. નિશાન પૂજન બાદ સંતોની સમાધિઓનું પૂજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના દિવસે વરસાદનું મહત્વ રહેલું હોય વરસાદે શુકન સાચવ્યું હતું, જો કે તેનાથી મેળાની મજામાં થોડો વિક્ષેપ પડ્યો હતો.

પરબ વાવડીના મેળામાં હજારો સ્વયં સેવકોએ ખડેપગે રહીને સેવા કરી હતી. મેળામાં આવેલા લાખો શ્રદ્ધાળુઓ માટે જગ્યા તરફથી ૨૪ કલાક પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે સિવાય યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તે ઉપરાંત રાતે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકવાયકા અનુસાર અમર માં અને દેવીદાસ બાપુએ અષાઢી બીજના દિવસે જ પરબ ખાતે જીવતા સમાધિ લીધી હતી અને આથી જ અષાઢી બીજના દિવસે અહીં લોક મેળો યોજાય છે. આ સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત દૂરદૂરથી લાખો શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટે છે, અમર મા અને દેવીદાસ બાપુએ જે સેવાની દિવ્ય પરંપરા ચલાવી હતી તેમની યાદમાં અહીં અષાઢી બીજના દિવસે પૂજા, યજ્ઞ અને ધ્વજા રોહણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે. પરબ ધામ એટલે સૌરાષ્ટ્રના અમર સંત એવા દેવીદાસ બાપુ અને અમર માની સમાધિનું સ્થાન. તે ઉપરાંત શાર્દૂલ ભગત, શેલાણી સાંઈ, જશા પીર, વરદાન પીર, કરમણ પીર, દાનેવ પીર, અમરી મા તેમજ રૂડા પીરની પણ સમાધિઓ છે.

આપણ વાંચો : પીએમ અને રાષ્ટ્રપતિએ આપી રથયાત્રાની શુભકામના, કચ્છી માડું માટે પીએમ મોદીએ કરી ખાસ પોસ્ટ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button