મોરબીના રવાપરમાં મહિલાઓએ થાળી વગાડી ચક્કાજામ કર્યો, જાણો શું છે મામલો

મોરબીઃ મોરબીના રવાપર ગામમાં બિસ્માર રસ્તા, પાણીના નિકાલનો અભાવ જેવા મુદ્દે મહિલાઓ રણચંડી બની હતી. મહિલાઓએ ચક્કાજામ કર્યોહતો અને થાળી વગાડી તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. મોરબીના રવાપર ગામે રામ સેતુ સોસાયટી અને ઉમિયાનગરમાં બિસમાર રોડ, પાણીનો ભરાવો સહિતના પ્રશ્ને મહિલાઓ થાળી લઈને રોડ પર ઉતરી આવી હતી અને રોડ પર ચક્કાજામ કર્યો હતો.
તંત્રની કામગીરીની ખાતરી છતાં નાગરિકો માનવા તૈયાર નહોતા. રવાપર ગામે મહિલાઓએ રસ્તા રોકો આંદોલન કરી ધારાસભ્ય નહીં આવે ત્યાં સુધી આંદોલન નહીં સમેટાય તેવો હુંકાર કર્યો હતા. મનપાએ રોડના ખાડા અને ગટર કામ શરૂ કરાતા આંદોલન સમેટાયું હતું. મહિલાઓ રોડ પર ઉતરતાં મોરબીમાં નિંદ્રાધીન તંત્ર અને નેતાઓ સફાળા જાગ્યા હતા અને કલેકટર કચેરીએ બેઠક યોજીને બે કલાક ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: મોરબીના મચ્છુ-2 ડેમના 2 દરવાજા રિપેરીંગ માટે ખોલાશે, 29 ગામને એલર્ટ કરાયા…
અધિકારીઓ થયા દોડતા
આ બેઠકમાં રાજ્યસભા સાંસદ, ધારાસભ્ય, કલેકટર, મ્યુનિ. કમિશ્નર વગેરેએ નિર્ણય લઈને રસ્તા પરના ખાડા 10-12 દિવસમાં બુરવા, ગટર સફાઈ, બંધ લાઈટ ચાલુ કરવા સહિતના પ્રશ્નો તાત્કાલિક ધોરણે ઉકેલવા માટે આયોજન કર્યું હતું. આ સાથે વોર્ડ વાઈઝ અધિકારીઓ સાથે મીટીંગ કરવામાં આવશે અને ધારાસભ્ય દર 15 દિવસે કોર્પોરેશન ખાતે મળશે તેમ નક્કી કરાયું હતું. 10 દિવસમાં શહેરમાં એક પણ ખાડો જોવા ના મળે, લાઈટ બંધ ના હોય અને ગટર સફાઈ સહિતના પ્રશ્નો ઉકેલાય જાય તેવા તમામ પ્રયત્નો કરવાની બાયંધરી આપવામાં આવી હતી. જે બાદ મહિલાઓએ રસ્તો ખુલ્લો કર્યો હતો.