મોરબી

મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ શું કર્યો મોટો નિર્ણય? જાણીને ચોંકી જશો

મોરબીઃ ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રોપેન અને એલપીજી ગેસના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં પ્રોપેર અને એલપીજી ગેસ સપ્લાય કરતી કંપનીઓ સિન્ડિકેટ બનાવીને ઊંચા ભાવે મોરબીના ઉદ્યોગકારોને ગેસ સપ્લાય કરે છે. જેથી કરીને મહિને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને 50 કરોડથી વધુનું નુકસાન થાય છે. જે અંગે મોરબીના સિરામિક ઉદ્યોગકારોની બેઠક મળી હતી, જેમાં સિન્ડિકેટ બનાવીને પ્રોપેન અને એલપીજી ગેસની સપલાઇ કરતાં સપ્લાયરો પાસેથી ગેસની ખરીદી નહીં કરવાનો નિર્ણય સિરામિક ઉદ્યોગકારો દ્વારા સામૂહિક રીતે લેવામાં આવ્યો હતો.

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલો છે અને તેમાં સિરામિક પ્રોડક્ટના ઉત્પાદન માટે થઈને નેચરલ ગેસ ઉપરાંત પ્રોપેન અને એલપીજી ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને ગેસનો ઉપયોગ કરવા માટે મોરબીના ઉદ્યોગકારોએ તેના કારખાનામાં કરોડો રૂપિયાની મશીનરી ફીટ કરાવી છે. પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં છેલ્લા ત્રણ મહિનાથી પ્રોપેન અને એલપીજી ગેસનો ભાવ ઘટી ગયા છે તો પણ પ્રોપેન અને એલપીજી ગેસની સપ્લાય કરતી કંપની દ્વારા સિન્ડિકેટ બનાવીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ઊંચા ભાવે ગેસની સપ્લાઈ કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ગેસના ભાવ ઘટી ગયા હોવા છતાં પણ ભાવનો ઘટાડો મોરબીના ઉદ્યોગકારોને આપવામાં આવતો નથી અને ઊંચા ભાવે પ્રોપેન અને એલપીજી ગેસની સપ્લાય કરવામાં આવે છે.

જેથી મોરબીના ઉદ્યોગકારોએ સસ્તો ગેસ ઊંચા ભાવે આપતી પ્રોપેન અને એલપીજી ગેસ સપ્લાય કરતી કંપનીઓ સામે બંડ પોકાર્યો હતો. મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા અને ખાસ કરીને ઉદ્યોગકારોને સિન્ડિકેટ બનાવીને લૂંટતી ગેસ સપ્લાય કરતા કંપનીઓ પાસેથી પ્રોપેન ગેસની ખરીદી બંધ કરવા માટેનો સામૂહિક રીતે ઉદ્યોગકારો દ્વારા આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, મોરબીના સિરામિક ઉદ્યોગમાં મહિને 1.20 લાખ ટન પ્રોપેન અને એલપીજી ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના ભાવમાં ટને 5000 સુધીનો ઘટાડો થઈ શકે તેમ છે પરંતુ સપ્લાયરો ઘટાડો કરતાં નથી જેથી મોરબીના ઉદ્યોગકારોને મહિના 60 કરોડથી વધુની નુકશાન થઈ રહ્યું છે.

આપણ વાંચો:  CA Results: અમદાવાદ કેન્દ્રનું 23.18 ટકા, ઈન્ટરમિડીયેટનું 12.35 ટકા અને ફાઉન્ડેશન પરીક્ષાનું 18.90 ટકા પરિણામ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button