વાંકાનેરમાં ગુજરાત-રાજસ્થાનના 250 અશ્વોનો પરંપરાગત શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા…

મોરબીઃ વાંકાનેર ખાતે સરકારના પશુપાલન વિભાગ તથા કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વાંકાનેરના રાજવી સ્વશ્રી ડો. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં ત્રિદિવસીય કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન – રમતોત્સવ ‘કામા અશ્વ શો’ નો પશુપાલન કેબિનેટ પ્રધાન જીતુભાઈ વાઘાણીએ શિક્ષણ રાજ્યપ્રધાન રિવાબા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ કરાવ્યો હતો. અશ્વપ્રદર્શનમાં ગુજરાત-રાજસ્થાનના 250 અશ્વોનો પરંપરાગત શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિજેતા અશ્વપાલકને ₹15,000 રોકડ પુરસ્કાર, શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અશ્વનું સંવર્ધન થાય અને તેમની સંખ્યા વધે તે માટેના પ્રયાસો કર્યા તે અંતર્ગતનું આ અનન્ય આયોજન છે. રાજ્ય સરકાર અનેકવિધ આયોજનો અને યોજનાઓ સાથે પશુ સંવર્ધન ક્ષેત્રે આગળ વધી રહી છે. આપણી નવી પેઢી આપણા સાંસ્કૃતિક ધરોહર સમાન અશ્વ વિશે જાણે, સમજે અને શીખે તે માટે આ પ્રકારના આયોજન ખરેખર પ્રેરણાદાયી છે.
અશ્વ એ આપણી સંસ્કૃતિમાં શક્તિ, લાભ અને શુભનું પ્રતીક છે ત્યારે સરકાર દ્વારા આગામી સમયમાં વધુ એક અશ્વોની દેશી જાતિના માટેનું બ્રીડિંગ સેન્ટર બનાવવામાં આવશે. અશ્વોની સંખ્યામાં વધારો થાય તે માટે લક્ષ્ય નિર્ધારિત કરી મિશન મોડ પર કામગીરી કરવામાં આવશે. કાઠીયાવાડી અશ્વ તેમના શોર્ય અને સાહસ માટે જાણીતા છે એટલે જ તેમના શોર્ય, સ્થિર સ્વભાવ અને સતર્કતાના ગુણોને ધ્યાનમાં લઇ પોલીસ જાહેર સેવામાં પણ કાઠીયાવાડી અશ્વનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં બીમાર ઘોડાઓને હેરાન ન કરવામાં આવે તે માટે સ્પર્ધા પહેલા બ્લડ સેમ્પલ લેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી યોગ્ય તપાસ બાદ ૩૦૦ થી વધુ રજીસ્ટ્રેશન પૈકી ૨૫૦ જેટલા ઘોડાઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત કહ્યું, વાંકાનેર સ્ટેટ અને તત્કાલીન દેશના પર્યાવરણ મંત્રી સ્વશ્રી ડો.દિગ્વિજયસિંહ ઝાલાએ પર્યાવરણ ક્ષેત્રે ભગીરથ કાર્ય કર્યું છે. તેમણે વાંકાનેર ખાતેથી ૧૯૯૪ માં અશ્વ શોનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આજે તેની સ્મૃતિમાં આ કાર્યક્રમ યોજાયો છે ત્યારે હું તેમને વંદન કરું છું. તેમના સમયમાં તેમણે લોકહિતકારી રાજા બની શિક્ષણ, આરોગ્ય કન્યા કેળવણી સહિતના પ્રજાલક્ષી કાર્યો કર્યા હતા.

રિવાબા જાડેજાએ શું કહ્યું
પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયપ્રધાન રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતની વૈદિક સંસ્કૃતિથી અશ્વ આપણી પરંપરાનો અભિન્ન ભાગ રહ્યા છે. રામાયણ મહાભારત સહિતના મહત્વના ગ્રંથોમાં અશ્વમેઘ યજ્ઞનો ઉલ્લેખ અશ્વની ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યની પ્રતીતિ કરાવે છે. અશ્વ એ યોદ્ધાનો આત્મસાર્થી કહેવાય છે ત્યારે ઇતિહાસમાં પણ મહારાણા પ્રતાપ, શિવાજી, ઝાંસીની રાણી સહિતના યોદ્ધાઓના અશ્વની ગાથાઓ પણ સ્વર્ણ અક્ષરે લખાયેલી છે. સરકારના પશુપાલન વિભાગ દ્વારા અશ્વની જાળવણી માટેની પ્રવૃત્તિઓ, બ્રીડિંગ તથા તેમના જતન માટેની કામગીરીની તેમણે સરાહના કરી હતી.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શૂરવીરોએ માતૃભૂમિ નું રક્ષણ કરવા જે બલિદાન આપ્યું તેમનીએ શોર્ય કથાઓ અશ્વ વિના અધુરી છે. ગીરના સાવજ, ગીર ગાય અને કાઠીયાવાડી અશ્વએ સૌરાષ્ટ્રને દેશ અને વિશ્વ કક્ષાએ આગવી ઓળખ અપાવી છે. ૧૭ મો કામા અશ્વ શો મોરબી અને વાંકાનેર માટે ગર્વની બાબત છે.



