મોરબીમાં અનોખો સમૂહ લગ્નોત્સવ: 42 દીકરીઓના લગ્ન સાથે પર્યાવરણ જાળવણીનો સંદેશ

મોરબી: મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આગામી તા.25 મેના રોજ રોજ ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં રબારી સમાજની ૪૨ દીકરીઓના લગ્ન કરવામાં આવશે. જો કે આ સમૂહ લગ્નના આયોજનમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. સમૂહ લગ્નમાં જે દીકરા અને દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે તે તમામના ગામમાં લગ્નના આગલા દિવસે એટલે કે આજે ૨૪ મેના રોજ 100-100 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેના ઉછેરવાની જવાબદારી જે તે પરિવાર નિભાવશે. સમૂહ લગ્નના આયોજનમાં પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો છે.
વ્યસન મુક્તિ અને અંગદાન-દેહદાન જાગૃતિના કાર્યક્રમો
સમાજ સેવાના ભાગરૂપે સમૂહ લગ્નમાં મેડિકલ કેમ્પ, વ્યસન મુક્તિ અને અંગદાન-દેહદાન જાગૃતિના કાર્યક્રમો પણ યોજાશે. 2500થી વધુ સ્વયંસેવકો, 700 સ્વયંસેવકો સાથે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા અને 500 સુરક્ષા ગાર્ડ્સ સાથે, આ સમૂહલગ્ન સમગ્ર મચ્છુ કાંઠા હાલાર રબારી સમાજ માટે એક યાદગાર પ્રસંગ બની રહેશે.
આ પણ વાંચો: લો, બોલો… સમૂહ લગ્નમાં વરરાજા ગાયબ!
15 હજારથી વધુ મહેમાનો હાજરી આપશે
આ સમૂહ લગ્નોત્સવમાં મોરબી ઉપરાંત સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ સહિત રાજ્યભરમાંથી 15 હજારથી વધુ મહેમાનો હાજરી આપશે. અધ્યક્ષ સ્થાને શ્રી વડવાળા મંદિર-દુધરેજના મહામંડલેશ્વર પૂ. કનીરામદાસજી બાપુ ગુરૂ કલ્યાણદાસજી બાપુ ખાસ ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપશે. આ ઉપરાંત દૂધઈ, મેસરિયા સહિતની જગ્યાઓના સંતો-મહંતો અને સમાજના આગેવાનો તેમજ રાજ્યસભાના સાંસદ બાબુભાઇ દેસાઈ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી રાઘવજી પટેલ, સાંસદ પરસોત્તમ રૂપાલા, પૂનમબેન માડમ સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.