
મોરબીઃ મોરબીના ઢુવા ગામે નદીમાં ડૂબી જવાથી સાળી-બનેવીનું મોત થયું હતું. નદીમાં સાળીને બચાવવા જતાં બનેવી ડૂબ્યો હતો. મહાશિવરાત્રીના મેળામાં રાજસ્થાનથી પરિવાર રમકડાં વેચવા આવ્યો હતો.
મળતી વિગત પ્રમાણે, મોરબીના જાણીતા રફાળેશ્વર મંદિર ખાતે શિવરાત્રીના મેળામાં રાજસ્થાનથી મુરારીભાઈ કલ્યાણભાઈ વણઝારા (ઉ.વ.24) અને તેની સાળી માયાબેન રતનભાઈ વણઝારા (ઉ.વ.18) મેળો પૂરો કરીને ઢુવા ગામ નજીકથી પસાર થતી માટેલીયા નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાં માયાબેન અચાનક પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેથી તેમને બચાવવા મુરારીભાઈ કૂદ્યા હતા. પાણીમાં ડૂબી જવાથી બંનેના કરૂણ મોત થયા હતા. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. આ કરૂણ બનાવ અંગે પરિવારને જાણ થતાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો…સુરતમાં લગ્નના દસ જ દિવસમાં લૂંટેરી દુલ્હન ભાગી ગઈ, યુવકનું હાર્ટએટેકથી મોત
મોરબી-વાંકાનેર હાઇવે પર સ્થિત પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. શિવભક્તોએ દર્શન અને પૂજનનો લાભ લીધો હતો. જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા મંદિર પરિસરમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં ફરફર-ફાડક, રમકડાં અને ખાણીપીણીના સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા. રીફાલ નામના રાજાએ તપ કરી મહાદેવને પ્રસન્ન કર્યા બાદ આ મંદિરની સ્થાપના કરી હતી. સમય જતાં નામનો અપભ્રંશ થઈને રફાળેશ્વર થયું. શ્રાવણી અમાસના દિવસે અહીંના કુંડમાં ગંગાજળ પ્રગટ થાય છે. પારસ પીપળાને જળ ચઢાવવાથી પિતૃ તર્પણ થાય છે તેવી માન્યતા છે. દર વર્ષે શ્રાવણ માસમાં પણ અહીં બે દિવસીય મેળો યોજાય છે.