ACBનું સફળ છટકું: મોરબીમાં PGVCLના નાયબ ઇજનેર અને ‘વચેટિયા’ને લાંચ લેતા પકડ્યા, બંનેની ધરપકડ.

મોરબી: લગભગ કોઈ એવો સરકારી વિભાગ નહિ હોય કે જેને ભ્રષ્ટાચારનો ભોરિંગે પોતાની બાનમાં ન લીધું હોય. મોરબીમાથી એન્ટિ કરપ્શન બ્યૂરોએ પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત કુલ બે લોકોને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. મોરબીમાં PGVCL વિભાગીય કચેરી-૧ ના નાયબ ઇજનેર, વર્ગ-૧ મિનેષભાઇ અરજણભાઇ જાદવ અને એક પ્રજાજન પ્રવીણભાઇ નાનજીભાઇ માકાસણાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.
બનાવની વિગતો અનુસાર, ફરિયાદીની કંપની સોલાર પેનલ લગાવવાનું કામકાજ કરે છે અને તેમણે બે કંપનીના સોલાર પ્લાન્ટનું કામ પૂર્ણ કર્યું હતું. આ બંને સોલાર પ્લાન્ટમાં સમયસર ઇલેક્ટ્રિક મીટર લગાવવા તેમજ આરોપી દ્વારા લગાવેલા સોલાર પ્લાન્ટમાં કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવાના બદલામાં નાયબ ઇજનેર મિનેષભાઇ જાદવે ફરિયાદી પાસેથી રૂ. ૨૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચના આ નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ ગ્રામ્ય ACB નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે ACB દ્વારા તારીખ ૦૭/૧૧/૨૦૨૫ ના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન મુખ્ય આરોપી (નાયબ ઇજનેર) મિનેષભાઇ જાદવે ફરિયાદી સાથે વાતચીત કરીને લાંચની આ રકમ બીજા આરોપી પ્રવીણભાઇ માકાસણા (પ્રજાજન) ને આપવાનું કહ્યું હતું. ત્યારબાદ, પ્રવીણભાઇ માકાસણાએ ફરિયાદી પાસેથી ગેરકાયદેસર લાંચની રકમ રૂ. ૨૦,૦૦૦/- સ્વીકારતા જ ACBની ટીમે તેમને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.
લાંચ સ્વીકારવાની આ ઘટના PGVCL કચેરીની પાસે, વેજીટેબલ રોડ, મોરબી ખાતે બની હતી. સ્થળ પરથી લાંચની રકમ રૂ. ૨૦,૦૦૦/- ACB દ્વારા સફળતાપૂર્વક રિકવર કરવામાં આવી હતી. બંને આરોપીઓ લાંચ સ્વીકારતા રંગે હાથ પકડાઈ જતાં, તેમણે ગુનો આચરવામાં એકબીજાને મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું. ACB એ લાંચની માંગણી અને સ્વીકારના ગુના હેઠળ બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો…સબ-ઇન્સ્પેક્ટરે બે કરોડની લાંચ માગી: વકીલ પાસેથી 45 લાખ લેતાં ઝડપાયો



