મોરબી મહાનગરપાલિકા સ્વદેશી મેળો ખુલ્લો મુકાયો: ૬૦ સ્ટોલથી સ્થાનિક કારીગરોને રોજગારી મળશે…

મોરબીઃ વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વોકલ ફોર લોકલની નેમ સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા ૧૮ ઓક્ટોબર સુધી મોરબી શહેરમાં એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન-વેચાણ મેળાને આજે કલેક્ટર કે.બી. ઝવેરી અને મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
વિકાસ સપ્તાહ અંતર્ગત દિવાળીના પર્વ પર સ્થાનિક ઉદ્યોગકારો અને હસ્તકલાના કારીગરોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તેવા હેતુથી સ્વદેશીની થીમ સાથે આયોજિત ૧૦ દિવસીય મેળામાં વેચાણ-પ્રદર્શન માટે ૫૦ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
ઉપરાંત ખાણીપીણી માટેના જુદા ૧૦ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્ટોલ પર સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનો દ્વારા વિવિધ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
સ્થાનિક કારીગરો માટે રોજગારીનું રોજગારીનું સર્જન કરવા તથા તેમના દ્વારા બનાવવામાં આવતી કલાત્મક અને વધુ ટકાઉ અને ગુણવત્તાવાળી વસ્તુઓ લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તે માટે આયોજિત આ સ્વદેશી મેળાની વધુને વધુ લોકો મુલાકાત લે અને ખરીદી કરે તે માટે મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…મોરબીના શક્તિ ચોકમાં અનોખા ગરબા: 50 ફૂટની વિશાળ ચણિયાચોળીમાં એક બાળા રાસ રમી