130થી વધુને ભોગ લેનારા મોરબી બ્રિજ દુર્ઘટનામાં તપાસના અંતે ચીફ ઓફિસર દોષિત

મોરબી: મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇ કોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે મોરબી નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સંદીપ ઝાલા સામે કાર્યવાહી માટે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનએ મંજૂરી આપી દીધી છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે સંદીપ ઝાલાના વાર્ષિક ઇજાફા પર રોક લગાવવા, હાલ મળવા પાત્ર પગાર ધોરણમાં 3 વર્ષ રોક લગાવવા સહિતની કાર્યવાહીનો નિર્ણય કરાયો હતો.
હાઇ કોર્ટે માંગ્યો હતો રિપોર્ટ
ગત સુનાવણીમાં હાઈ કોર્ટે મોરબી બ્રિજ દુર્ઘટના પાછળ જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવાયા તેનો રિપોર્ટ હાઇ કોર્ટે માંગ્યો હતો. જેમાં એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સંદીપ ઝાલાને સસ્પેન્ડ કરાયા હતા. તેમની સામે ખાતાકીય તાપસ કરીને ચાર્જશીટ ફાઈલ કરાઈ હતી. તેનો રિપોર્ટ અપાયો હતો. અધિકારીને પોતાની સ્પષ્ટતા કરવા રજૂઆતની પૂરતી તક આપવામાં આવી હતી. તેઓ તપાસના અંતે દોષિત ઠર્યા હતા.
ટ્રસ્ટની રચના કરવામાં આવી
મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવા બાબતે આગામી સમયમાં પીડિત પરિવારના વકીલ વધુ માહિતી કોર્ટ સમક્ષ મૂકશે. મોરબી બ્રિજના પીડિતોને વળતર ચૂકવવા એક ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. કોર્ટ મિત્ર ટ્રસ્ટની કામગીરીનો રિપોર્ટ આપશે. પીડિત પક્ષ તરફથી ઓરેવા કંપની પાસેથી એક્ઝેમ્પ્લરી ડેમેજિસની માગ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, પીડિત પક્ષના વકીલે મૃતક દીઠ 2 કરોડના વળતરની માગ કરી હતી
ઉલ્લેખનીય છે કે મોરબીનો ઝુલતો પુલ 30 ઓક્ટોબર, 2022ના રોજ સાંજે તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 130 થી વધુ લોકોના મોત થયા હતા.