મોરબીમાં કેજરીવાલ વિશે સવાલ કરનાર AAP કાર્યકરને બીજા કાર્યકરે ઈસુદાનની હાજરીમાં ઝાપટ મારી દીધી…

મોરબીઃ આમ આદમી પાર્ટી દ્વારા હાલ ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત સોમવારે મોરબીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના સંબોધન દરમિયાન એક યુવાને કેજરીવાલ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જે અંગે આપના જ એક કાર્યકર્તા દ્વારા લાફો મારવામાં આવ્યો હતો. આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો હતો.
શું છે સમગ્ર મામલો
મોરબીમાં ઈસુદાન ગઢવી જ્યારે સભાને સંબોધી રહ્યા હતા ત્યારે યુવકે સવાલ કર્યો હતો કે, દિલ્હીમાં યમુના નદીના પાણી ઘૂસી જાય છે. દસ વર્ષથી ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે, તો તેમણે શું કર્યું છે? આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર કરતી નથી તેવું તમે કહો છો, તો તમારા નેતાઓને 12 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું.
જો તેઓ નિર્દોષ હતા, તો તેમણે રાજીનામું કેમ ન આપ્યું? દિલ્હીમાં જે રીતે ઝૂંપડપટ્ટીઓ વસાવી છે, શું અહીં મોરબીમાં પણ એ જ રીતે ઝૂંપડપટ્ટી વસાવવામાં આવશે? આ દરમિયાન આપના એક કાર્યકર્તાએ યુવાન પાસેથી માઈક આંચકી લીધું અને તેને જાહેરમાં લાફો મારી દીધો. આ ઘટનાથી સભામાં તણાવ સર્જાયો હતો.
આ મામલે ઈસુદાન ગઢવીએ જવાબ આપ્યો કે, યમુના નદીમાં જે ગંદકી આવે છે તે દિલ્હીની નથી પરંતુ ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી આવે છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ, યમુના કરતા પણ સાબરમતી નદી વધારે ગંદી છે.
નેતાઓ પર લાગેલા આરોપો અંગે તેમણે સત્યેન્દ્ર જૈનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમને અઢી વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ હાઈ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. તેવી જ રીતે, અરવિંદ કેજરીવાલની દારૂ કૌભાંડમાં ધરપકડ થઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે, આમાં કશું નથી, જેથી તેઓ પણ નિર્દોષ સાબિત થશે. જ્યારે ટ્રમ્પના પત્ની દિલ્હી આવ્યા હતા, ત્યારે તેમણે ત્યાંની સ્કૂલો જોઈ હતી. દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે જે લોકોને તમામ વસ્તુઓ મફત આપવા છતાં નફામાં ચાલે છે.
ભાજપના નેતાઓનું ષડયંત્ર હોઈ શકે છેઃ ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવીએ ખુલાસો કરતાં ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના પાછળ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતાઓનું ષડ્યંત્ર હોઈ શકે છે. મોટી સંખ્યામાં જનતાની હાજરી જોઈને મુખ્ય પ્રધાન અને ભાજપના નેતાઓએ પોતાના મળતિયાઓને મોકલીને અમારી સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે વિસાવદર જેવી સ્થિતિનો ડર લાગતાં ભાજપે આપની જનસભાને ખંડિત કરવાની મેલી મુરાદ અપનાવી છે.
ઈસુદાન ગઢવીએ બીજી શું કરી સ્પષ્ટતા?
ગઢવીએ સ્પષ્ટતા કરી કે જે વ્યક્તિએ થપ્પડ મારી તે આપ સાથે સંકળાયેલી નથી. તેમણે આ ઘટનાને ભાજપ અને મુખ્ય પ્રધાનની નિમ્ન કક્ષાની રાજનીતિનો નમૂનો ગણાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે ગુજરાતભરમાં આપની 2000થી પણ વધારે જનસભાનું આયોજન થઈ રહ્યું છે અને આ સભાઓથી ભાજપમાં ભયનો માહોલ ફેલાયો છે.
આ પણ વાંચો…ગુજરાતમાં આગામી બે મહિનામાં આમ આદમી પાર્ટી 2,000 સભાનું આયોજન કરશે