
મોરબી/રાજકોટઃ ટેક્સ ચોરીની આશંકાને પગલે રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રાજકોટમાં 6 અને મોરબીમાં 40 મળીને કુલ 46 સ્થળોએ મંગળવારે વહેલી સવારથી જ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધુ અધિકારીઓની ટીમે મોરબીમાં જાણીતા લેવિસ ગ્રેનીટો ઉપરાંત રાજકોટમાં તેમના ભાગીદારોના નિવાસે પણ રેડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોટન (રૂ) ના ધંધા સાથે સંકળાયેલા અને મોરબીમાં ગ્રુપ સાથે કનેકશન ધરાવતા રાજકોટના ઉદ્યોગપતિઓ પાછા ઝપટે ચડ્યા હતા. દરોડા ઓપરેશનમાં કરોડોના બિનહિસાબી વ્યવહારો પકડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ
વહેલી સવારથી મોરબીના મોટા ગજાના જમીનના ધંધાર્થી પરેશ પટેલ, બિલ્ડર રાજુભાઈ ફેસ ગ્રુપ અને લેવીસ સીરામીકના લેવીસ ગ્રુપના ધીરુભાઈ રોજમાળા તથા તેના ભત્રીજા જીતુભાઈ રોજમાળાના સહિત 40 જેટલા સ્થળો પર દરોડાથી સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો હતો. આ સર્ચ ઓપરેશનમાં મોટા પાયે બિન હિસાબી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ છે.
મોટા પાયે બિનહિસાબી વ્યવહારો ઝડપાવાની શક્યતા
મળતી વિગતો મુજબ રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગની ટીમ સોમવાર સાંજથી ગ્રાઉન્ડ પર ઉતરી ગઈ હતી. મોરબીનાં આ સીરામીક ગ્રુપને ત્યાં વહેલી સવારે સર્ચ ઓપરેશન હાથ ઘરીને તેમને ઉંઘતા ઝડપી પાડ્યા હતા. ફેક્ટરી, ઘર, ઓફિસ સહિતની પ્રીમાઇસીસ પર તપાસ ચાલી હતી. પ્રથમ દિવસે સિરામિક ગ્રૂપના હિસાબો અને ડેટા શોધખોળ કરી હતી. તપાસના અંતે બિનહિસાબી વ્યવહારો ઝડપાઇ તેવી સંભાવના છે.
તે જ પ્રકારે રાજકોટ ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા કોટન, સિરામિક, કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા મોટા માથાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી. રાજકોટના મેટ્રો ગ્રુપ તથા મિલેનિયમ પર તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. રાજકોટમાં પાંચથી વધુ સ્થળો પર તપાસ ચાલી હોવાનું જાણવા મળ્યું હતું. મેટ્રો કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા કોટનના બે ભાગીદારો તથા રિયલ એસ્ટેટ ગ્રુપના ડાયરેક્ટરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. તપાસમાં આવકવેરા વિભાગના રાજકોટની સાથે, અમદાવાદ, વડોદરા, સુરતના ટોચના અધિકારીઓ જોડાયા હતા.