મોરબીના વાંકાનેરમાં વાડીમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ખેડૂતની ધરપકડ

વાંકાનેર : મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામમાં એસઓજી ટીમે ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. આસોઈ નદીના કાંઠે આવેલી વાડીમાં એક વૃદ્ધ ગાંજાનું વાવેતર કરતા હતા. પોલીસે ખેડૂત પાસેથી 11.66 કિલો ગાંજા સહિત 1.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
11.660 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામમાં બચુભાઈ સાકરીયા ગાંજાનું વાવેતર કરતા હોવાની એસઓજીને બાતમી મળી હતી. એસઓજી ટીમને બાતમી મળતા વાડીમાં રેડ કરવામાં આવી હતી. સ્થળ પરથી મૂળ સહિત અર્ધ સુકાયેલા ગાંજાના 190 છોડ મળી આવ્યા હતા. આ છોડનું વજન 5.605 કિલોગ્રામ હતું. આ ઉપરાંત ગાંજાના ડાંખળા અને પાંદડાનું વજન 6.055 કિલોગ્રામ સહિત કુલ 11.660 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો
જેમાં જપ્ત કરવામાં આવેલા આ મુદ્દામાલની કિંમત રૂપિયા 1,16,600 આંકવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી વાડીમાં ગાંજાના છોડ ઉગાડી તેને કાપીને સૂકવી વેચાણ કરવાની તૈયારી કરી રહ્યા હતા.
આ પણ વાંચો…ગાંધીનગરના ચિલોડામાંથી રૂ. 2.38 કરોડના ગાંજા સાથે મુંબઈનું દંપત્તી ઝડપાયું