મોરબીના મણિ મંદિરની બાજુમાં આવેલી ગેરકાયદેસર દરગાહ તોડી પડાઈ

અમદાવાદઃ ઐતિહાસિક મણિ મંદિરની બાજુમાં બનેલી અને લાંબા સમયથી કાનૂની વિવાદના કેન્દ્રમાં રહેલી એક ગેરકાયદેસર દરગાહને સ્થાનિક તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
સ્થાનિક લોકો લાંબા સમયથી કથિત ગેરકાયદેસર માળખાને દૂર કરવાની માંગ કરી રહ્યા હતા. આ મામલો કોર્ટમાં પણ ગયો હતો અને કોર્ટે અગાઉ સ્ટે આપ્યો હતો, પરંતુ તાજેતરમાં જ સ્ટે હટાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ, વહીવટીતંત્રે થોડા દિવસો પહેલા એક નોટિસ જારી કરીને આ માળખાને સ્વેચ્છાએ દૂર કરવા જણાવ્યું હતું. કોઈ કાર્યવાહી ન થતાં, અધિકારીઓએ મંગળવારે ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ડિમોલિશન ઝુંબેશ વહેલી સવારે શરૂ થઈ હતી. સ્થળની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, મોરબી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વરિષ્ઠ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓને તૈનાત કર્યા હતા. જોકે આ ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો.
આ પણ વાચો : મોરબીનો દબદબો! કચ્છ-સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ચમકશે સિરામિક ક્ષેત્ર, ભારત-યુકે નિકાસમાં 65% ફાળો…
જોકે આ કાર્યવાહીથી શહેરનો મુસ્લિમ સમુદાય નારાજ થયો હતો અને અમુક મુસ્લિમો એ ડિવિઝન પોલીસ પાસે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો, પરંતુ પોલીસે સ્થિતિ સંપૂર્ણુપણે કાબૂમાં હોવાનું જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર ઓક્ટોબર 2022માં પોલીસે મોરબીમાં પ્રતિષ્ઠિત મણિમંદિરની બાજુમાં ગેરકાયદેસર રીતે દરગાહ બનાવવા બદલ જમીન કબજે કરવાના કેસમાં આરોપી મુજાવર હાશમશા જાફરશા ફકીરને અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. હેરિટેજ બચાવો સમિતિએ ગેરકાયદેસર દરગાહ ઉભી કરવા સામે અપીલ કર્યા બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ 26 સપ્ટેમ્બર 2022 ના રોજ મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જમીન કબજે કરવા બદલ મુજાવર સામે ફરિયાદ નોંધાવી હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.



