ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામઃ વાંકાનેરમાં ફટાકડા ફોડવા મુદ્દે માથાકૂટ…

મોરબીઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ અનેક જગ્યાએથી વિવાદ થયા હતા. મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફોડવાની બાબતે બબાલ થઈ હતી. જૂનાગઢમાં વોર્ડ નંબર-8માં કૉંગ્રેસની જીત થતાં જ પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારાની આ ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. આ દરમિયાન એક મહિલા કોન્સ્ટેબલને ઈજા પણ પહોંચી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણ લોકોની અટકાયત કરી હતી.
આ પહેલાં જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં કૉંગ્રેસની જીત થઈ હતી. જે બાદ વિજેતા ઉમેદવાર દ્વારા રેલી કાઢવામાં આવી હતી. વિજય સરઘસમાં પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 9નાં કૉંગ્રેસના ઉમેદવાર મહિપાલસિંહ બસિયાની હાર થઈ હતી. હારની જાહેરાત થયાના થોડી જ ક્ષણોમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતાં. કૉંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ફંડ ન મળતાં મહિપાલસિંહ નારાજ હતાં. જેથી કંટાળીને ભાજપમાં જોડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Also read : રાજ્ય સરકાર દ્વારા એક જ દિવસમાં 537.21 કરોડ રૂપિયાના વિકાસકાર્યોને મંજૂરી
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 1506 બેઠક જીતી છે. કૉંગ્રેસને 303 અને અન્યોને 238 બેઠક મળી છે.