મોરબીમાં નવજાતને જીવતું જમીનમાં દાટી દેવાયું પણ…

Morbi News: મોરબીના નવાગામ -અદેપર રોડ પર એક ચોંકાવનારી ઘટના બની હતી. નિષ્ઠુર જનેતાએ બાળકને જન્મ આપ્યા બાદ જીવતું જમીનમાં દાટી દીધું હતું, પરંતુ રડવાનો અવાજ સંભળાતા લોકોએ બહાર કાઢ્યું હતું. નવજાત બાળકની ઉમર 5થી 6 દિવસની હોવાનું અનુમાન છે. કોઈએ મોઢે ડૂચો અને માથે મીઠું છાંટીને જમીનમાં ખાડો ખોદીને દાટી દીધું હતું. એક શ્રમિકને બાળકનો અવાજ સંભળાતા ધૂળ હટાવતા બાળક હેમખેમ મળ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર નવાગામ – અદેપર રોડ ઉપર લક્ષદ્વીપ કારખાના પાસે રોડની બાજુમાં કોઈએ બુધવારે સાંજના અરસામાં 5થી 6 દિવસના બાળકને ખાડો ખોદી દાટી દીધું હતું. આ બાળકને મોઢે ડૂચો માર્યો હતો. ઉપરાંત મીઠું પણ છાંટવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…ગુજરાતમાં સરકારે હાથ ધર્યું ઓપરેશન ક્લીનઃ અસામાજિક તત્વોની હવે ખેર નથી…
જોકે આ બાળકને દાટવામાં આવ્યાના થોડી જ વાર બાદ ત્યાંથી એક શ્રમિક નીકળતા તેને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. જેથી શ્રમિકે અને આસપાસ ભેગા થયેલા લોકોએ ધૂળ હટાવતા જ બાળક હેમખેમ મળી આવ્યું હતું, ત્યાર બાદ બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. આ બાળકને કોણ અહીં દાટી ગયું અને કેમ તેના પર મીઠું નાખવામાં આવ્યું હતું. પ્રશાસનને આ બનાવની જાણ થયા પછી પોલીસે તપાસ શરૂ કરી હતી.