સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીમાં ‘ભંગાણ’: કરશનબાપુ ભાદરકાનું રાજીનામું

જૂનાગઢઃ આમ જનતાની સમસ્યાઓને વાચા આપવાને નામે ધીમે ધીમે આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતમાં સક્રિય થઈ રહી છે, પરંતુ પાર્ટીમાં અંસતોષ પણ આસમાને છે. આપમાં અસંતોષના ભાગરુપ સૌરાષ્ટ્રના પ્રમુખ નેતા કરશનબાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ છે. તેમણે રાજીનામા પાછળ ‘નાદુરસ્ત તબિયત’નું કારણ આગળ ધરવામાં આવ્યું છે, જે અન્વયે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને સંબોધીને તેમણે સોશિયલ મીડિયા પર આ અંગેની પોસ્ટ મૂકી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, કરશનબાપુ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ હતા. વિસાવદરની ચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલિયા દ્વારા વારંવાર પૂર્વ પ્રધાન જવાહર ચાવડાના વખાણ કરવાથી તેઓ નારાજ થયા હોવાનું મનાય છે.
આ પણ વાંચો: રાજકોટમાં ખાડાને લઈ આમ આદમી પાર્ટીએ થાળી વગાડી, રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું
આ ઉપરાંત, મનરેગા કૌભાંડમાં જૂનાગઢના કોંગ્રેસના નેતા હીરા જોટવાનું નામ આવ્યા બાદ જ્યારે પાર્ટીએ તેમની સામે અભિયાન ચલાવ્યું, ત્યારે કરશનબાપુએ પાર્ટી લાઈનથી વિરુદ્ધ જઈને હીરા જોટવાને સમર્થન આપ્યું હતું.
નોંધનીય છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં કરશનબાપુએ ભાજપના જવાહર ચાવડાને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે તેમને 23,000 મત મળ્યા હતા. હાલમાં ગુજરાતમાં AAP દ્વારા ‘ગુજરાત જોડો અભિયાન’ ચાલી રહ્યું છે, જેમાં પક્ષનો દાવો છે કે 150થી વધુ જનસભા થઈ છે અને 5 લાખથી વધુ લોકો મિસ્ડ કોલ દ્વારા પાર્ટીમાં જોડાયા છે. આ આંદોલન વચ્ચે કરશનબાપુનું રાજીનામું પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે.