જૂનાગઢમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવામાં આવશે કે નહીં? સંસદમાં સરકારે આપી આ માહિતી

નવી દિલ્હી/જૂનાગઢઃ સંસદના શિયાળુ સત્રના પાંચમા દિવસે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ગુજરાતમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર અંગેનો સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, શું સરકારનો વિચાર ગુજરાતમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપવાનો છે કે નહીં? જો હા તો તેની શું વિગત છે અને જો ના હોય તો તેનું શું કારણ છે. તેમજ સરકારનો વિચાર વિતરણ સેવાઓ વધારવા માટે પોસ્ટઓફિસો ઉપરાંત અન્ય સંસ્થાઓમાં પણ પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપિત કરવાનો છે. જો હા તો તેની વિગત શું છે અને ના તો શું કારણ છે.
આ પ્રશ્નોનો વિદેશ રાજ્ય પ્રધાન કીર્તવર્ધન સિંહે જવાબ આપ્યો કે, પાસપોર્ટ કાર્યાલાય (પીઓએસ), પાસપોર્ટ સેવા કેન્દ્ર (પીએસકે), પોસ્ટઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (પીઓપીએસકે) ખોલવા એક સતત પ્રક્રિયા છે. આ ઉપરાંત વર્તમાન પીઓ, પીએસકે, પીઓપીએસકેથી દૂર અન્ય કોઈ વિસ્તારમાં પાસપોર્ટ અરજદારોની માત્રા સહિત વિવિધ કારણો પર નિર્ભર કરે છે.
આ પણ વાંચો: ભારતીય પાસપોર્ટમાં થશે પાંચ મહત્ત્વના સુધારા, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
જાન્યુઆરી, 2017માં વિદેશ મંત્રાલયે પોસ્ટ વિભાગ (ડીઓપી)ના સહયોગથી દેશમાં મુખ્ય પોસ્ટ ઓફિસો (એચપીઓ), પોસ્ટ ઓફિસો (પીઓ)માં પોસ્ટઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવાનો નિર્ણય લીધો હતો. જ્યાં કોઈ પીએસકે કે પીઓપીએસકે ન હોય તેવા લોકસભા મત વિસ્તારમાં આવેલ પોસ્ટઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (પીઓપીએસકે) કહેવાય છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં એક પીઓપીએસકે કાર્યરત છે.
હાલ ગુજરાતમાં 2 પ્રાદેશિક પાસપોર્ટ કેન્દ્ર, 5 પીએસકે અને 23 પીઓપીએસકે ચાલુ છે. પોસ્ટઓફિસ સિવાય અન્ય સંસ્થાઓમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવા માટે હાલ સરકારની કોઈ યોજના નથી.



