
જૂનાગઢઃ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં ગૌચર જમીન પર થયેલા દબાણના વિરોધમાં માલધારી સમાજે છેલ્લા 20 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ગામના માલધારી યુવાન જાગાભાઈ ભરવાડે આ મુદ્દે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસે તેમની અટકાયત કરી હતી. આંદોલનકારીઓએ આરોપ મૂક્યો છે કે તંત્ર દબાણકારો સામે પગલાં ભરવાને બદલે તેમને જ દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કાલસારી ગામે ગૌચર જમીન પર દબાણ થઈ રહ્યું છે. આ મુદ્દે માલધારી સમાજ દ્વારા વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. તંત્રની નિષ્ક્રિયતાને કારણે માલધારી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. સૂત્રો મુજબ, તંત્રના અધિકારીઓ સ્થળ પર આવ્યા, ત્યારે દબાણ કરનારા ઈસમોએ તંત્રના હાજર અધિકારીઓ સમક્ષ જ માલધારીઓને ધમકી આપી હોવા છતાં અધિકારીઓ મૌન રહ્યા હતા.
આ પણ વાંચો: વિસાવદર પેટાચૂંટણી બાદ જવાહર ચાવડા સક્રિય થતાં અનેક તર્કવિતર્ક
સૂત્રોના કહેવા પ્રમાણે, અમે પહેલાથી વિસાવદર ખાતે છ દિવસ ઉપવાસ આંદોલન કર્યું હતું. ત્યાર બાદ અમને પોલીસ કસ્ટડીમાં કાલસારી લાવ્યા, જ્યાંથી અમે અવિરત રીતે આંદોલન ચાલુ રાખ્યું છે. છતાં તંત્ર તરફથી માત્ર આશ્વાસન મળે છે, કોઈ અમલ થતો નથી. જો 28મી જુલાઈ સુધી ગૌચર જમીન પરના દબાણના મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તંત્રની આંખ ઉઘાડવા જલદ કાર્યક્રમો કરવામાં આવશે.