જૂનાગઢની આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ

જૂનાગઢ: શહેરમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશન સ્કૂલની હોસ્ટેલ ફરી વિવાદોમાં સપડાઈ હતી. થોડા દિવસ પહેલા જ 17 વર્ષીય વિદ્યાર્થી પર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારે હવે આ જ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીઓ મળીને એક વિદ્યાર્થીને માર મારી રહ્યા હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી ગઈ હતી,
આ ઘટનાથી વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો તેમજ હોસ્ટેલના સંચાલન અને વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ખડા કર્યા હતા.
મળતી વિગતો અનુસાર આ ઘટના જૂનાગઢના મધુરમ ચોકડી નજીક આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની છે. સ્કૂલની હોસ્ટેલમાં પાંચથી છ જેટલા વિદ્યાર્થીઓએ મળીને એક વિદ્યાર્થીને ગંભીર રીતે માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ત્યારબાદ આ વીડિયો 30 ઓગષ્ટના રોજ વિદ્યાર્થીના વાલીના ધ્યાન પર આવ્યો હતો અને ત્યારબાદ તેમણે આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીના વાલી શાળાએ દોડી આવ્યા હતા, તેમજ શાળા સંચાલક અને હોસ્ટેલ સંચાલકો સામે બેદરકારીના આક્ષેપો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ ઘટના અંગે રાજ્યના શિક્ષણ પ્રધાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ કોઈ પણ રીતે સહન કરવામાં નહીં આવે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મુખ્ય પ્રધાને પોતે સૂચના આપી છે કે આવું સાંખી લેવામાં અહીં આવે. તેમણે જણાવ્યું કે અમારા ધ્યાનમાં વિગતો આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.