ગિરનારના ગુરુ ગોરખનાથ મંદિરની મૂર્તિ ખંડિત કરનાર ‘પૂજારી’ નીકળ્યો: વધુ કમાણી માટે ‘કાંડ’નું રચ્યું હતું ષડયંત્ર

જૂનાગઢ: પવિત્ર અને આસ્થાના કેન્દ્ર એવા ગરવા ગિરનાર પર્વત પર સાડા પાંચ હજાર પગથિયાંની ઊંચાઈએ આવેલા ગુરુ ગોરખનાથ શિખર પરના મંદિરમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરી ગોરખનાથજીની પ્રતિમાને ખંડિત કરવાની અને તેને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દેવાની ઘૃણાસ્પદ ઘટના સામે આવી હતી. આ ઘટનાના વીડિયો બહાર આવતા સમગ્ર ગુજરાતના સાધુ-સંતો અને ભાવિકોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. ત્યારબાદ ગુરુ ગૌરક્ષનાથની નવી મૂર્તિની શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પરતું આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.
પવિત્ર અને આસ્થાના કેન્દ્ર ગિરનાર પર્વત પર સ્થિત શ્રી ગુરુ ગોરક્ષનાથ મંદિરમાં થયેલી તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે મૂર્તિ તોડવા અને તેને જંગલમાં ફેંકી દેવાના આરોપસર બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંનો એક આરોપી મંદિરમાં જ પૂજારી તરીકે નિયુક્ત થયેલો છે. પોલીસની તપાસ અને સેંકડો CCTV ફૂટેજની ચકાસણી બાદ પોલીસે રમેશ ભટ્ટ (૫૦) અને મંદિરના વેતનદાર કર્મચારી દીક્ષિત (કિશોર) કુકેરજા (ઉ. વ. ૪૨) ની ધરપકડ કરી છે. કુકેરજા મહારાષ્ટ્રના ઉલ્હાસનગરનો રહેવાસી છે અને છેલ્લા બે વર્ષથી મંદિરમાં કામ કરતો હતો.
જૂનાગઢના એસપી સૌરભ ઓડેદરાના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી દીક્ષિત કુકેરજા મંદિરની વર્તમાન કમાણીથી સંતુષ્ટ નહોતો. તે ઈચ્છતો હતો કે વધુ લોકો પૂજા માટે આવે અને દાન વધે. એસપીએ જણાવ્યું હતું કે “મંદિરને વધુ પ્રસિદ્ધિ આપવાના ઉદ્દેશ્યથી તેણે આ ષડયંત્ર રચ્યું હતું. કુકેરજાએ કબૂલ્યું કે તેણે અને ભટ્ટે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.”
પોલીસ તપાસ દરમિયાન કેટલીક શંકાસ્પદ બાબતો સામે આવી હતી. મંદિરનો કાચ એક બાજુથી તોડવામાં આવ્યો હતો, પરંતુ 50 કિલો વજનની મૂર્તિ તૂટેલા કાચમાંથી નીકળવી શક્ય નહોતી. પોલીસે આ શંકા દૂર કરવા FSLની મદદ લીધી હતી. જેવો કાચ તોડાયો હતો, તેવો જ નવો કાચ લગાવી અને તેટલા જ વજનની બીજી મૂર્તિ મંગાવીને સમગ્ર ઘટનાનો ડેમો કરવામાં આવ્યો હતો. ડેમોમાં સાબિત થયું કે, મૂર્તિને કાચ તોડીને બહાર કાઢવી અત્યંત મુશ્કેલ હતી. આ બાબતે પોલીસની શંકા દૃઢ બની કે આ કૃત્ય અંદરના કોઈ વ્યક્તિનું જ છે.
આ સમગ્ર બનાવમાં પોલીસને જૂનાગઢના મધુરમમાં રહેતો અને ફોટોગ્રાફી કરતા રમેશ ભટ્ટની પૂછપરછ કરવામાં આવી હતી. પહેલા તો અજાણ બનવાનો ઢોંગ કર્યો હતો પરંતુ અંતે પોલીસ તપાસમાં સ્વીકાર્યું હતું કે તા. 4 ઓક્ટોબરની સાંજે આરતી પૂર્ણ થયા બાદ પગારદાર સેવાદાર કિશોર કુકરેજાએ રમેશ ભટ્ટને કહ્યું કે ‘આપણે એક કાંડ કરવાનો છે’. સાંજના સમયે આરોપી દીક્ષિત કુકેરજાએ મુખ્ય મંદિરમાંથી એક લોખંડનો પાઇપ લીધો અને ગૌરક્ષનાથ મંદિરના સાઇડના કાચને તોડી નાખ્યો હતો. ત્યારબાદ પાઇપ પાછો મૂકીને મંદિરને તાળું મારી દીધું અને રમેશ ભટ્ટને 9:00 વાગ્યા બાદ જાણ કરવાનું કહ્યું હતું. રાત્રે 9:30 વાગ્યા બાદ કિશોર કુકરેજાએ પોતાની પાસેની ચાવીથી મંદિરનું તાળું ખોલ્યું અને બંને જણા મળીને ગુરુ ગૌરક્ષનાથની મૂર્તિને બહાર કાઢી હતી. ત્યારબાદ બંને શખસોએ મૂર્તિને ઊંચકીને પર્વત પરથી ધક્કો મારી દીધો અને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.
આપણ વાંચો: દિવાળી પર ફટાકડા ફોડવાની ગાઈડલાઈન જાહેર, આટલા વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ