
જૂનાગઢઃ ગુજરાતમાં એકબાજુ સિંહની વસ્તી ગણતરી ચાલતી હતી ત્યારે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી રીંછ બહાર નીકળી ગયું હતું. રીંછ પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલ કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું. સ્થાનિકોએ તુરંત ઝૂના સત્તાધીશોને જાણ કરતા તાબડતોબ તેનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રીંછનું રેસ્ક્યુ કર્યું હતું.
કેવી રીતે રીંછ બહાર નીકળી ગયું
9 મેના દિવસે સક્કરબાગનો સ્ટાફ સિંહ ગણતરી માટેની તૈયારીમાં હતો. ઝૂમાં રીંછનું પાંજરૂ છે. તેમાં એક મોટું વૃક્ષ છે, વૃક્ષની પાતળી ડાળીઓ પકડીને તે વૃક્ષ પર ચઢી ઝૂની દીવાલ કૂદીને બહાર નીકળી ગયું હતું. રીંછ ગમે તેવી જગ્યાએ ચઢવા માટે ખૂબ જ ચપળ અને સક્ષમ હોવાથી બહાર નીકળવામાં તેને સફળતા મળી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જે દિવાલ કૂદીને બહાર ગયું ત્યાં રીંછના નખના નિશાન પણ જોવા મળ્યા છે. ઝૂ કિપરને રીંછ બહાર નીકળ્યું હોવાની જાણ થઈ ગઈ હતી તે રીંછને શોધવા માટે દોડધામ કરતા હતા ત્યાં માહિતી મળી કે રીંછ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યું છે. જેથી રીંછને પકડવામાં ઓછી મુશ્કેલી પડી હતી.
આપણ વાંચો: ગુજરાતમાં દરેક કર્મચારીના આઈડી પ્રૂફ પોલીસમાં કરાવવા પડશે જમા, સરકાર બહાર પાડશે એસઓપી
સ્થાનિકો થઈ ગયા આશ્ચર્યચકિત
સ્થાનિકો રીંછ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સ્થાનિકોને રીંછ ઝૂમાંથી બહાર નીકળી ગયું હોવાનં લાગતાં તાત્કાલિક ઝૂમાં જાણ કરવામાં આવી હતી. ઝૂનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રીંછને બેભાન કરીને પકડી લેવામાં આવ્યું હતું.