ભેંસાણમાં દારૂડિયા પતિનો આતંક: 'મને મારી નાખશે' કહેનાર યુવતીનું બીજા જ દિવસે શંકાસ્પદ મોત, હત્યાની આશંકા | મુંબઈ સમાચાર
જૂનાગઢ

ભેંસાણમાં દારૂડિયા પતિનો આતંક: ‘મને મારી નાખશે’ કહેનાર યુવતીનું બીજા જ દિવસે શંકાસ્પદ મોત, હત્યાની આશંકા

ભેંસાણ: દિવાળીના દિવસોમાં જ જૂનાગઢમાં ગુનાહિત બનાવોનો સિલસિલો જોવા મળ્યો હતો, ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સરદારપુર ગામે ખેતમજૂરી માટે આવેલી પરપ્રાંતીય યુવતીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવતીની બહેને તેના પતિ સામે ગળેટૂંપો આપી હત્યા કર્યાની શંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ મૃત્યુના એક દિવસ પહેલાં જ પોતાની બહેનને પતિના દારૂ પીવાના અને અન્ય સ્ત્રી સાથેના સંબંધોના ત્રાસ વિશે વાત કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાની વતની સિયાદીબેન રાકેશભાઈ સતેએ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સિયાદીબેનની નાની બહેન નીયાદીબેન (ઉ.વ.૨૪) અને તેનો પતિ નાનીયાભાઈ આપસીંગભાઈ સસ્તે (રહે. મૂળ ખાજપુર, મ.પ્ર.) છેલ્લા ચારેક માસથી સરદારપુર ગામે દિનેશભાઈ વધાસીયાની વાડીમાં ખેત મજૂરી કરતા હતા. ફરિયાદમાં જણાવ્યું કે, ચારેક દિવસ પહેલા જ મૃતક નીયાદીબેને તેમને કહ્યું હતું કે “મારો પતિ નાનીયો રોજ દારૂ પીને આવે છે અને તેને બીજી સ્ત્રી સાથે સંબંધ છે, જેના કારણે તે મને અવારનવાર માર મારે છે અને હેરાન કરે છે.” નીયાદીબેને એમ પણ જણાવ્યું હતું કે તે આ ત્રાસથી કંટાળી ગઈ છે અને તેના પિતાને ફોન કરીને તેને લઈ જવા માટે કહ્યું હતું, નહીંતર નાનીયો તેને મારી નાખશે.

બીજા દિવસે સવારે સિયાદીબેન પોતાના કામે પરત આવી હતી. એ જ સાંજે આશરે ૮:૩૦ વાગ્યે સિયાદીબેનના પતિ રાકેશભાઈના ફોન પર નીયાદીબેનના કાકાનો ફોન આવ્યો કે નાનીયાનો ફોન આવ્યો છે અને તેણે કહ્યું છે કે “નીયાદી ફાંસી ખાઈને મૃત્યુ પામી છે.” નીયાદીબેનના મૃતદેહનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જેમાં મૃત્યુનું કારણ ગળેફાંસો આપવાથી થયાનું જાણવા મળ્યું હતું. જોકે, નીયાદીબેન દ્વારા મૃત્યુના આગલા દિવસે વ્યક્ત કરાયેલા ડર અને પતિના ત્રાસને ધ્યાનમાં લેતા, તેની બહેને શંકા વ્યક્ત કરી હતી કે તેના પતિએ જ કોઈ પણ રીતે ગળેટૂંપો આપીને કે મોઢાના ભાગે ઈજા પહોંચાડીને તેની હત્યા કરી હોય. પોલીસે ફરિયાદી સિયાદીબેનની ફરિયાદના આધારે મૃતક યુવતીના પતિ નાનીયાભાઈ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આપણ વાંચો:  જૂનાગઢમાં ફટાકડાની તકરારમાં યુવકની હત્યાના બનાવમાં નિવૃત્ત PSIના પુત્ર સહિત ૫ આરોપી પકડાયા…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button