જૂનાગઢ

જુઓ તસવીરો: 13 રાજ્યોના NCC કેડેટ્સને મળી ‘રોક ક્લાઇમ્બિંગ’ ટ્રેનિંગ!

જૂનાગઢ: રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના કમિશનરના ઉપક્રમે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા NCC ભાઈઓ માટે 10 દિવસીય ખડક ચઢાણ બેઝિક કોર્સનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

૮ ગુજરાત બટાલિયન NCC દ્વારા પ્રાયોજિત આ તાલીમ શિબિર તા. ૧૮/૧૧/૨૦૨૫ થી તા. ૨૭/૧૧/૨૦૨૫ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાઈ, જેમાં ભારતભરના કુલ ૧૩ રાજ્યોમાંથી ૧૦૧ જેટલા NCC કેડેટ્સે ઉત્સાહભેર તાલીમ લીધી.

શિબિરના છેલ્લા દિવસે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કર્નલ અમિત ત્યાગી, સુબેદાર મેજર બલવંતસીંગ, કે.પી. રાજપૂત અને ઉપેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કે.પી. રાજપૂતે શાબ્દિક સ્વાગતની સાથે શિબિરની સંપૂર્ણ માહિતી આપી હતી.

તાલીમાર્થીઓ લક્ષ્ય પાઠક અને ઓમ સાંગવાને કેમ્પના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં કોર્સમાં થોડી તકલીફ પડી, પરંતુ ઇન્સ્ટ્રકટરના માર્ગદર્શન હેઠળ ધીમે ધીમે અનુકૂલન સાધતા થઈ ગયા. પર્વતારોહણની તાલીમમાં જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમ તેમ તેમને ખુબ મજા આવતી ગઈ અને ખડક પર ચઢવા-ઉતરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો.

મુખ્ય મહેમાન કર્નલ અમિત ત્યાગીએ યુવાનોને જીવનમાં સફળ થવા માટે ‘Effort, Beyond You, Below You’ બાબતે વિગતવાર સમજણ આપી, તથા ધગશ સાથે યોગ્ય દિશામાં મહેનત કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button