જૂનાગઢમાં આપ નેતા રેશ્મા પટેલની કેમ અટકાયત કરવામાં આવી? જાણો

જૂનાગઢઃ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ જૂનાગઢના ઇવનગર ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રીને ડીજીઆર (એનઆરસીજી) જૂનાગઢના 100થી વધુ રોજમદાર કર્મચારીઓને છૂટા કરી રોજીરોટી વિહીન કર્યા તેને રોજીરોટી ફરી આપવા બાબત રોજમદાર મજદૂર લોકો મહિલાઓ સાથે મળવા જતા હતા, ત્યારે રેશ્મા પટેલ સહિત તમામની અટકાયત કરી મેંદરડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સાથે આપ હોદેદાર જીવન ભાઈ, ભાવેશભાઈ કાતરીયા સહિત મજદૂર મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી.
આપણ વાંચો: ગુજરાતના રાજકારણમાં ‘ચેલેન્જ વોર’: ગોપાલ ઈટાલીયાના રાજીનામા પર ઇસુદાન ગઢવીની સ્પષ્ટતા!
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ દ્વારા એક આવેદનપત્ર આપવાનું હતું જેમાં જણાવ્યું હતું કે તમે જે ઇવનગર ખાતે આવેલ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રની મુલાકાતે આવ્યા છો, તેમાં રોજમદાર ધોરણે વર્ષોથી કામ કરતા શ્રમિકોને કોઈ પણ જાતની કાર્યવહી કર્યા વગર કામ ઉપરથી છૂટા કરી દેવામાં આવ્યા છે.

આ બાબતે માતાઓ-બહેનો સહિત દરેક લોકો ન્યાય માટે રજૂઆત કરતા આવ્યા છે. પણ કોઈ પણ જવાબ કે સમાધાન વર્ષો પછી પણ મળ્યું નથી,અનેક આંદોલનો કર્યા છતાં પણ ડીજીઆરના ડાયરેક્ટરના પેટનું પાણી હલતું નથી.
કોન્ટ્રાક્ટ પધ્ધતિ અમલમાં મૂકી અનેક ગરીબ શ્રમિકની રોજી રોટી છીનવી છે, કોન્ટ્રાક્ટ પધ્ધતિએ શ્રમિકો માટે શોષણનું ઘર બન્યું છે, આ કેન્દ્ર ઈવનગર ગ્રામ પંચાયતમાં આવે છે તો અત્યારે પણ નિયમ અનુસાર સ્થાનિકોને રોજગારી આપવાને બદલે નિયમોનું ઉલ્લંઘન કરી રોજગારીથી દૂર રાખે છે, શ્રમિકો માટે અમારી માંગણી છે કે છુટા કરેલા શ્રમિકોને ભરતી કરી રોજગારી આપો અને ન્યાય કરો, પણ જો ન્યાય આપવામાં નહીં આવે તો અમે શ્રમિકોના હક માટે ગાંધીચિંધ્યા માર્ગે અવાજ ઉઠાવીશું.