ઘેડમાં મેઘરાજાએ મચાવેલી તારાજી બાદ તંત્રએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે હાથ ધર્યો...
જૂનાગઢ

ઘેડમાં મેઘરાજાએ મચાવેલી તારાજી બાદ તંત્રએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે હાથ ધર્યો…

જૂનાગઢઃ તાજતેરમાં જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ઓઝત નદીના કાંઠાના માટીના પાળા તૂટી જવાથી જમીનનુ ધોવાણ થયું હતું. ત્યારે કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાનીનો તાગ વહીવટી તંત્રએ સ્થળ મુલાકાત કરી મેળવ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં તા.૨૦ ઓગસ્ટ ના રોજ કેશોદ, માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકામાં અંદાજે ૧૦ થી ૧૪ ઇંચ સુધી નો ભારે વરસાદ થયો હતો. જેના કારણે ઓઝત તથા અન્ય નદીઓમાં ભારે પુર આવ્યા હતા.

કેશોદ તથા માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારમાં નદીનું પાણી માટીપાળા પરથી ઓવરટોપીંગ થવાને લીધે ઓઝત નદીના કાંઠે આવેલ ખાતેદારોના ખેતરોના માટીના પાળાઓ તૂટ્યા હતા.

જેમાં ઘેડ વિસ્તારમાં ઓઝત નદીને કાંઠે આવેલ કેશોદ તાલુકાના બામણાસા ગામે ૬, બાલાગામ ગામે ૮, અને ઇન્દ્રાણા ગામે ૪, તથા માણાવદર તાલુકાના કોયલાણા ગામે ૨, મટીયાણા ગામે ૪,આંબલીયા ગામે ૧ અને પાદરડી ગામે ત્રણ ખેડૂત ખાતેદારોના ખેતરના માટીના પાળાઓ તથા મોવાણા ગામે તળાવનો માટી પાળો ઓવરટોપીંગ થવાને કારણે ધોવાયો હતો.

તંત્રને સ્થળ મુલાકાત દરમિયાન બામણાસા ગામે ૬ પાળા તૂટેલ હોવાનું તેમજ તેની આજુબાજુના વિસ્તારની જમીનોનું ધોવાણ થયું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં બામણાસા ગામના ખાતેદાર પરબત કેસૂર કરંગીયાનું પશુ બાંધવાનું એક મકાન પણ પાળો તૂટતા નદીના પ્રવાહના કારણે ધરાશાયી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

તેમજ બામણાસા ગામની સીમ વિસ્તારમાં ઓઝત નદીના કાંઠે જગમાલભાઈ ભીખાભાઈ પિઠીયાના ખેતરનો પાળો તૂટવાના કારણે પશુ બાંધવાનું મકાન તથા ગોડાઉનનો અમુક ભાગ ધરાશાઈ થયો હતો. આ ઉપરાંત પ્રાંત અધિકારી કેશોદ તેમજ માણાવદર મામલતદાર દ્વારા પણ સિંચાઈ વિભાગના કર્મચારીઓને સાથે રાખી આંબલિયા ગામે ઓઝત નદી કીનારે આવેલ પાળા તૂટતા સ્થળ મુલાકાત કરી હતી.

આ ઉપરાંત હાલ કેટલીક અસરગ્રસ્ત જગ્યાએ પહોંચી શકાય તેવી સ્થિતિ ન હોવાથી આ વિસ્તારમાં પાણી ઓછા થયા બાદ તંત્ર દ્વારા સ્થળ મુલાકાત કરી સર્વે હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો…જૂનાગઢમાં ભારે વરસાદથી ઓઝત સહીત અનેક ડેમો છલકાયા, 35થી વધુ ગ્રામ્ય રસ્તાઓ અને 15 બસ રૂટ બંધ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button