
જૂનાગઢઃ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે 12 સપ્ટેમ્બર ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ બપોરે 1 વાગ્યે કેશોદ એરપોર્ટ પર ઉતરીને સીધા જૂનાગઢ જશે. જ્યાં તેઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોના તાલીમ કેમ્પમાં હાજરી આપશે અને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે.
રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને નેતાગીરીના પાઠ શીખવશે
જૂનાગઢમાં આયોજિત આ પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને નેતાગીરીના પાઠ શીખવશે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો અને કાર્યકરોમાં નવો જોમ ભરવાનો છે. અગાઉ પણ રાહુલ ગાંધી આવા જ પ્રશિક્ષણ શિબિરોમાં હાજરી આપી ચૂક્યા છે, જેમાં તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.
આ પણ વાંચો : રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કોંગ્રેસનો પ્લાન
રાહુલ ગાંધીની મુલાકાતથી કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધશે
તાલીમ શિબિર પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી સાંજે પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે. રાહુલ ગાંધીની આ મુલાકાતને ગુજરાત કોંગ્રેસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ મુલાકાતથી કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધશે અને આગામી ચૂંટણીઓ માટેની તૈયારીઓને વેગ મળશે તેવી આશા છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતમાંઃ આમ આદમી પાર્ટી સાથે નહીં લડે ચૂંટણી…
જુલાઈ મહિનામાં આણંદમાં રાહુલ ગાંધીએ કર્યું હતું સંબોધન
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ જૂનાગઢમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપશે. આ વર્ષે ગુજરાતમાં આયોજિત થનારું પાર્ટીનું આ બીજી પ્રશિક્ષણ શિબિર છે. જેમાં પહેલી પ્રશિક્ષણ શિબિર ગત જુલાઈ મહિનામાં આણંદમાં આયોજિત કરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા અને સહકારી ડેરી સંઘના સદસ્યો સાથે વાતચીત કરી હતી.
આ પણ વાંચો : ભાજપ અને આરએસએસને હરાવવાની તાકાત માત્ર કૉંગ્રેસ પાસેઃ રાહુલે ગુજરાતમાં કર્યો લલકાર
આ પ્રશિક્ષણ શિબિરોનું આયોજન 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને પાર્ટીના ‘મિશન 2027’ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે તાજેતરમાં 2027ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે. રાહુલ ગાંધીની આ મુલાકાત એ દર્શાવે છે કે કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર પરત ફરવા માટે ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે. આ તાલીમ કેમ્પ અને રાહુલ ગાંધીના માર્ગદર્શનથી કોંગ્રેસ ગુજરાતમાં નવી દિશા મેળવી શકશે.