ધુરંધર ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ, કોર્ટમાં જવાની ચીમકી

અમદાવાદઃ અભિનેતા રણવીર સિંહ, સંજય દત્ત અને અક્ષય ખન્નાની ફિલ્મ ધુરંધર એક તરફ બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે, તો બીજી બાજુ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. દેશભરમાં ઘણા શહેરોમાં આ ફિલ્મનો વિરોધ નોંધાઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં પણ ફિલ્મ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. અહીંના બ્લોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાઝ મકરાણીએ ફિલ્મનાં અભિનેતા, ડાયલોગ રાઇટર અને ડિરેક્ટર વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
ફિલ્મના સંવાદોએ બ્લોચ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
‘હંમેશાં બોલતા હૂં બડે સાબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં.’ આ પ્રકારના સંવાદને લીધે તેમણે વિરોધ નોંધાવ્યો હતો. સંજય દત્ત દ્વારા બોલવામાં આવતા આ ડયલોગ સામે તેમણે વિશેષ ઉલ્લેખ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
આ પણ વાંચો : ‘ધુરંધર’ ફિલ્મ મુદ્દે બલુચિસ્તાનના લોકો શું કહે છે: વખાણ સાથે વિરોધ પણ, જાણો કેમ?
જો આ ફિલ્મ પર પ્રતિબંધ નહીં મૂકવામાં આવે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ સમાજે આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સમાજે આક્ષેપ કર્યો હતો કે માત્ર પૈસા કમાવવા આ પ્રકારે એક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે. આ રીતના સંવાદો સમાજમાં પણ તંગદીલીનું વાતાવરણ ઊભું કરે છે. આવી ફિલ્મો પર પ્રતિબંધ મૂકી તેમને કાયદાનું ભાન કરાવવું જોઈએ, તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ સાથે બ્લોચ-મકરાણી સમાજ આજે જિલ્લાકક્ષાએ વિરોધ પ્રદર્શન કરશે, તેમ તેમણે જણાવ્યું હતું.
‘ધુરંધર’ એક જાસૂસી એક્શન થ્રિલર મૂવી છે, જેમાં દરેક કલાકારના અભિનયે દર્શકોને પ્રભાવિત કર્યા છે. રણવીર સિંહ અને તેનાથી 20 વર્ષ નાની સારા અર્જુનની જોડીને પણ દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સારા અર્જુન સાઉથ ઇન્ડસ્ટ્રીના સ્ટાર રાજ અર્જુનની પુત્રી છે, જેણે હવે લીડ એક્ટ્રેસ તરીકે સિલ્વર સ્ક્રીન પર ડેબ્યૂ કરીને ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મનો બીજો ભાગ લગભગ 19 માર્ચ 2026ના રોજ રિલીઝ થવાના પણ અહેવાલો મળી રહ્યા છે.
આ પણ વાંચો : બોક્સ ઓફિસ પર ધુરંધરની ધૂમ: પાંચ દિવસમાં કર્યો 150 કરોડનો વકરો, જાણો કેટલામાં વેચાયા OTT રાઈટ્સ
આગામી શુક્રવારે ‘ધુરંધર’ની ટક્કર કોમેડિયન કપિલ શર્માની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું 2’ સાથે થવાની છે. જોકે ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે રણવીર સિંહની ફિલ્મને આ નવી રિલીઝથી વધુ અસર નહીં થાય. તેના બદલે, કપિલ શર્માની ફિલ્મના બિઝનેસને ‘ધુરંધર’ની સફળતાને કારણે મોટો ઝટકો લાગી શકે છે. ‘ધુરંધર’ની મજબૂત પકડ અને સકારાત્મક પ્રતિભાવ દર્શાવે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર લાંબો સમય ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે.



