
સાસણ/જૂનાગઢ: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન ગઇકાલે તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમનાથ મંદિર પરિસર ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તેઓ ગીર નેશનલ પાર્ક જવા રવાના થયા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભવ્ય એશિયાટિક સિંહના નિવાસસ્થાન અને સમૃદ્ધ, વૈવિધ્યસભર વન્યજીવન ધરાવતા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ, તેમણે સ્થાનિક આદિવાસી લોકો સાથે પણ સંવાદ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આદિવાસી સમુદાયની પ્રકૃતિ-અનુકૂળ જીવનશૈલી આપણા બધા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમણે પરંપરાઓનું જતન કરવાની સાથે સાથે વિકાસના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ગીરમાં વસતા સીદી સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્વારા તેમનું જીવન, પરંપરાઓ અને પડકારો વિશે જાણકારી મેળવી હતી.

સાંજે 7 વાગ્યા આસપાસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સફારી પાર્કથી સિંહ સદન પરત ફર્યા હતા અને ત્યાં તેમણે રાત્રિ કર્યું હતું. ગઇકાલે તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને દેશના જનકલ્યાણ માટે દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવી પ્રાર્થના કરી હતી. આજે તેઓ દ્વારકાધીશ મંદિરની મુલાકાત ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે તેમજ ત્યાંથી તેઓ અમદાવાદ પહોંચશે અને ગુજરાત વિદ્યાપીઠના 71મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.