રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતનાં મહેમાન, સાસણ ગીરમાં સિંહોને નિહાળશે, આદિવાસીઓને મળશે | મુંબઈ સમાચાર
જૂનાગઢ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતનાં મહેમાન, સાસણ ગીરમાં સિંહોને નિહાળશે, આદિવાસીઓને મળશે

જૂનાગઢ: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 થી 11 ઓક્ટોબર, 2025 દરમિયાન ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે અને એક શૈક્ષણિક કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ સોમનાથ મંદિર, ગીર નેશનલ પાર્ક તેમજ ગીરમાં વસતા આદિવાસી સમુદાયો સાથે મુલાકાત કરવાના છે.

રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી મળતી વિગતો અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 થી 11 ઓક્ટોબર, 2025 દરમિયાન ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ અંતર્ગત રાષ્ટ્રપતિ 9 ઓક્ટોબરની સાંજે રાજકોટ પહોંચ્યા હતા. આજે 10 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ મુર્મુ સોમનાથ મંદિરના દર્શન અને આરતીમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવાના છે અને સાસણ ગીર ખાતેના સ્થાનિક આદિવાસી સમુદાયના સભ્યો સાથે વાતચીત કરશે. તેમજ તેઓ સાસણ ખાતે રાત્રિરોકાણ કરવાના છે.

ત્રિદિવસીય પ્રવાસના અંતિમ દિવસે, આવતીકાલે 11 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ દ્વારકા ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને આરતી કરશે. ત્યારબાદ ત્યાંથી તેઓ અમદાવાદ પહોંચશે અને ગુજરાત વિદ્યાપીઠના 71મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિના આ પ્રવાસને લઈને રાજ્યમાં સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગીર સોમનાથ જિલ્લાના એકદિવસીય પ્રવાસે હોય ત્યારે હેલિપેડથી માંડીને સોમનાથ મંદિર સુધીના પથમાં ઉભી કરવામાં આવેલી સુવિધાઓ અને સુરક્ષાની તૈયારીઓની જિલ્લા કલેક્ટરે સમીક્ષા કરી હતી. કલેક્ટર અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ રાષ્ટ્રપતિના આગમનથી લઈને પ્રસ્થાન સુધી ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button