જૂનાગઢમાં ‘પરવીન બાબીનો ડેલો’ ગાયબ! 200 વર્ષ જૂની હેરિટેજ હવેલી કોણે તોડી? રહસ્ય અકબંધ

જૂનાગઢઃ શહેરમાં પરવીન બાબીના પરિવારની 200 વર્ષ જૂની હેરિટેજ હવેલીના ડિમોલિશન અંગે રહસ્ય ઘેરાયું છે. જૂનાગઢના દિવાન ચોકમાં આવેલી આ વિશાળ હવેલી ‘પરવીન બાબીનો ડેલો’ તરીકે જાણીતી હતી અને ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતી. જોકે, થોડા દિવસો પહેલા જ આ 200 વર્ષ જૂની હેરિટેજ હવેલી તોડી પાડવામાં આવી હતી, અને આ કામ કોણે કર્યું તેની કોઈને જાણ નથી.
54 રૂમની છે હેરિટેજ હવેલી
જૂનાગઢ બાબી પરિવારના સેક્રેટરી રિહાબ બાબીએ જણાવ્યું કે, 70 અને 80ના દાયકાની લોકપ્રિય બોલિવૂડ એક્ટ્રેસ પરવીન બાબી તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતી, અને તેના પિતા પણ એકમાત્ર સંતાન હતા. આથી, તેની મિલકતનો કોઈ સીધો વારસદાર નહોતો. પરવીનના મૃત્યુ પછી, તેના મામા મુરાદખાન બાબીએ 54 રૂમની આ હવેલી પર દાવો કર્યો હતો. બાદમાં, પરિવારના અન્ય બે સભ્યોએ પણ દાવો કર્યો હતો, જેના પરિણામે કાનૂની વિવાદ શરૂ થયો જે હજુ પણ ચાલુ છે.
એવું માનવામાં આવતું હતું કે આ મિલકત સ્થાનિક વહીવટીતંત્રના કબજામાં હતી અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન એ તેને તોડી પાડી હશે. જોકે, જેએમસી કમિશનર તેજસ પરમારે સ્પષ્ટ કર્યું હતું કે હવેલી સરકારના કબજામાં નહોતી અને તેના ડિમોલિશનમાં વહીવટીતંત્રની કોઈ ભૂમિકા નથી.
સૂત્રોએ જણાવ્યું કે, કોઈ ત્રીજી વ્યક્તિ, જે વિવાદનો ભાગ નથી અથવા પરિવારના જ કોઈ સભ્યએ હવેલી પર દેખરેખના અભાવનો લાભ લઈને તેને તોડી પાડી છે. આ એક હેરિટેજ મિલકત હોવાથી, વહીવટીતંત્રે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવા જોઈએ અને મામલાની તપાસ કરવી જોઈએ.
સૂત્રોએ ઉમેર્યું કે હવેલીમાં ઉચ્ચ ગુણવત્તાનું સાગનું લાકડું, કોતરણી અને અન્ય ચીજવસ્તુઓ હતી જેનું વજન હજારો કિલોથી વધુ હતું. જો કોઈએ તેમાંથી થોડા લાખ રૂપિયા કમાવવા માટે તેને તોડી પાડી હોય તો વહીવટીતંત્રે આવા મહત્વપૂર્ણ હેરિટેજ માળખાને નુકસાન પહોંચાડવા બદલ તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. શહેનાઝબેન અને પરવીન બાબીની માતાઓ સગી બહેનો હતી. 2006માં જ્યારે પરવીનનું અવસાન થયું ત્યારે શહેનાઝબેન અને તેમના ભાઈ અશફાકે તેની અંતિમવિધિ કરી હતી.


