જૂનાગઢ-ગિરનારમાં મેઘમહેરથી ધોધ અને ઝરણાં જીવંત થતા પ્રકૃતિપ્રેમીઓ ઉમટ્યા: VIDEO…

જૂનાગઢ: રાજ્યમાં વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે, ત્યારે જૂનાગઢ શહેર અને ગિરનારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ ગિરનારના ડુંગરાઓએ લીલી ચાદર ઓઢી લેતા અને જંગલમાં પડી રહેલા વરસાદને કારણે અનેક ધોધ, ઝરણા વહેતા થયા છે. પ્રકૃતિના આ સૌંદર્યને માણવા માટે દુરદુરથી પ્રવાસીઓ જુનાગઢ પહોંચ્યા હતા. ગિરનારમાં મેઘમહેરથી ધોધ અને ઝરણાં જીવંત થયા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
ગિરનાર અને દાતાર પર્વત પરથી પાણીના ધોધ
જુનાગઢ સહીત સમગ્ર સોરઠ પંથકમાં પડી રહેલા ભારે વરસાદને લીધે ગિરનાર અને દાતાર પર્વત પરથી પાણીના ધોધ વહેતાં થયા હતા. ચોમાસાની ઋતુમાં આકર્ષણનું કેન્દ્ર રહેતા ગિરનાર, ભવનાથ, જટાશંકર મહાદેવ, દાતાર ડુંગર તેમજ વિલિંગ્ડન ડેમ પર પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં વિલિંગ્ડન ડેમ સતત ઓવર ફ્લો થઈ રહ્યો છે જેના કારણે લોકો આ કુદરતી નજારો જોવા ઊમટી પડ્યા છે.
સીડીથી ચડીને ગિરનાર પર જવાનો આનંદ
વળી છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને પગલે રોપવે સેવા બંધ છે, આથી યાત્રિકોને સીડીઓ ચડીને જ ગિરનાર પર જવું પડે છે, જો કે સીડીથી ચડીને ગિરનાર પર જવાનો આનંદ માણવા માટે જ અનેક પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. એક બાજુ વરસાદ અને વાદળોથી વીંટલાયેલાં એ આહ્લાદક દ્રશ્યથી પ્રવાસીઓમાં આનંદ છવાઈ જાય છે.