જૂનાગઢના માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુંઃ 2000થી વધુ બોટ પરત બોલાવવામાં આવી

જૂનાગઢઃ અરબ સાગરમા ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રનો દરીયાકાંઠે એલર્ટ આપવામાં આવ્યું હતું.અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર એક નંબર સિગ્નલ હટાવી ભયજનક 3 નંબર સિગ્નલ લગાવાયું હતું. તેમજ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી હતી. દરિયામાં 20 ફૂટ જેટલાં ઊંચા મોજા અને કરંટ જોવા મળતા માંગરોળ બંદરને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, માંગરોળ બંદર પર અંદાજિત 2000 બોટો અને લગભગ 600 કેનોસ ચાલે છે. હવામાન ખાતાની આગાહીના પગલે તમામ બોટો પરત બોલાવી લેવામા આવી હતી. આ ઉપરાંત સૂત્રોએ માછીમારોને થતા નુકસાન અંગે જણાવ્યું કે બોટો ફિશિંગ માટે 100થી 200 કિલોમીટર દૂર જાય છે.
આપણ વાંચો: જાણો અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ‘શક્તિ’ની લેટેસ્ટ અપડેટ..
ત્યાંથી તુરંત પરત બોલાવી લેવામાં આવે તો એક બોટ દીઠ સીધે સીધો 50,000થી 1 લાખ રૂપિયા સુધીનો ડીઝલ ખર્ચ વધી જાય છે. માછીમારોને ડીઝલ, બરફ, અને ખલાસીનો પગાર જેવા તમામ ખર્ચા ચાલુ રહે છે, જેથી પરત ફરવાના સમયે ડીઝલનો ખર્ચો માછીમાર પર મોટો બોજ બની જાય છે.
15મી ઓગસ્ટ પછી સીઝન શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ પાંચેક વખત હવામાન ખાતાની આગાહીના હિસાબે માછીમારોને પરત આવવાનું થયું છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, સરકાર અને ડિપાર્ટમેન્ટ તરફથી જ્યારે પણ કહેવામાં આવે ત્યારે અમે પૂરો સહયોગ આપીને અમારી બોટો તરત જ બંદરે બોલાવી લઈએ છીએ અથવા નજીકના સુરક્ષિત બંદરમાં સ્થળાંતર કરવાની પ્રક્રિયા કરીએ છીએ.



